India vs South Africa, Match Highlights: ગુવાહાટીમાં રમાયેલી બીજી T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 16 રને હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની આ સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઘરઆંગણે રમીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામે T20 સિરીઝ જીતી છે.


આજે, ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ડેવિડ મિલરની તોફાની સદીના કારણે નિર્ધારિત ઓવરમાં 221 રન જ બનાવી શકી હતી. 


મિલરની સદી કામ ના આવીઃ


238 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને માત્ર એક રનના સ્કોર પર ટીમના 2 બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. ટીમને પહેલો ફટકો કેપ્ટન બાવુમાના રૂપમાં અને બીજો ફટકો રિલે રુસોના રૂપમાં લાગ્યો હતો. અર્શદીપ સિંહે આ બંને આફ્રિકાના બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. આ પછી માર્કરામ અને ડી કોકે આફ્રિકન ઇનિંગ્સને સંભાળી અને ટીમનો સ્કોર 40 સુધી પહોંચાડ્યો હતો, જોકે સારી બેટિંગ કરી રહેલા માર્કરામ 33ના સ્કોર પર અક્ષર પટેલના બોલ ઉપર બોલ્ડ થયો હતો.


માર્કરામના આઉટ થયા બાદ ડેવિડ મિલર અને ડી કોકે દાવ સંભાળ્યો હતો અને આફ્રિકાની અન્ય કોઈ વિકેટ પડવા દીધી નહોતી. આફ્રિકન ટીમ વતી ડેવિડ મિલરે 47 બોલમાં સાત સિક્સર અને આઠ ચોગ્ગાની મદદથી 106 રન બનાવીને સદી ફટકારી હતી. તેના સિવાય ક્વિન્ટન ડી કોકે 48 બોલમાં ચાર સિક્સર અને ત્રણ ચોગ્ગાની મદદથી 69 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. જો કે, આ બંનેની ઇનિંગ્સ પણ આફ્રિકન ટીમને જીત અપાવી શકી ન હતી અને ભારતે 16 રને મેચ જીતી લીધી હતી.


ભારતે 238 રનનો ટાર્ગેટ આપ્યો હતો


ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે પ્રથમ વિકેટ માટે 9.5 ઓવરમાં 96 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 37 બોલમાં 43 રન બનાવ્યા હતા જ્યારે કેએલ રાહુલે 28 બોલમાં 57 રનનું યોગદાન આપ્યું હતું.


આ બંનેના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 5 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. આ સિવાય વિરાટ કોહલીએ 28 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. આ બેટ્સમેનોની શાનદાર બેટિંગના કારણે ભારત 237 રનનો મોટો સ્કોર બનાવી શક્યું હતું. જોકે, દક્ષિણ આફ્રિકાની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી અને 221 રન બનાવીને 16 રનથી મેચ હારી ગઈ હતી.