નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં પાંચ લાખ રન બનાવનારો પ્રથમ દેશ બની ગયો છે. તેણે આ સિદ્ધિ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં હાંસલ કરી છે. શુક્રવારે ટેસ્ટના પ્રથમ દિવસે ઇગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કવરની તરફ સિંગલ લઇને ઇગ્લેન્ડની ટીમના પાંચ લાખ રન પુરા  કર્યા હતા. ઇગ્લેન્ડની ક્રિકેટ ટીમે  આ સિદ્ધિ 1022 ટેસ્ટ મેચમાં હાંસલ કરી છે.

આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયા 540 ટેસ્ટ મેચમાં 2,73,518 રન બનાવી બીજા નંબર પર છે. ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝનો નંબર આવે છે જેણે 545 ટેસ્ટ મેચમાં 2,70,441 રન બનાવ્યા છે. વિદેશી ધરતી પર 500 ટેસ્ટ મેચ રમનારી પ્રથમ ટીમ ઇગ્લેન્ડ જ છે. ઓસ્ટ્રેલિયાએ વિદેશી ધરતી પર 404 ટેસ્ટ મેચ રમી છે. જ્યારે ભારતે વિદેશી જમીન પર 268 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 51 જીતી છે અને 113 મેચ હારી છે અને 104 મેચ ડ્રો રહી છે. નોંધનીય છે કે ઇગ્લેન્ડે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ધ વંડર્સ સ્ટેડિયમમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ચાર વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા. ખરાબ રોશનીના કારણે મેચ નક્કી સમય કરતા પહેલા ખત્મ કરી દેવાઇ હતી અને ફક્ત 54.2 ઓવરની રમત થઇ શકી હતી.

ટોસ જીતીને ઇગ્લેન્ડે બેટિંગ પસંદ કરી હતી. જૈક ક્રોલે અને ડોમ  સિબ્લેએ પ્રથમ વિકેટ માટે 107 રન બનાવ્યા હતા. બાદમાં જો ડેનલ 27 અને બેન સ્ટોક્સ 2 રન બનાવી આઉટ થયા હતા. રમતના અંતે જો રૂટ 25 અને ઓલી પોપ 22 રન બનાવી રમી રહ્યા હતા.