India Vs Pakistan Test Series: ક્રિકેટના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ શકે છે. ટેલિગ્રાફના અહેવાલ મુજબ, ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ તટસ્થ સ્થળ તરીકે ઇંગ્લેન્ડમાં ભારત અને પાકિસ્તાન ટેસ્ટ સિરીઝની યજમાની કરવાની ઓફર કરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દાયકાથી નથી રમાઈ સિરીઝઃ
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012 પછી કોઈ દ્વિપક્ષીય સિરીજ રમાઈ નથી. 2012માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ પ્રવાસમાં T20 અને ODI સિરીઝ રમાઈ હતી. જો કે, આ પછી બંને દેશો વચ્ચે રાજકીય તણાવ સતત વધતો ગયો અને પછી બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ શકી ન હતી. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો 2008 બાદથી બંને ટીમો વચ્ચે કોઈ ટેસ્ટ સિરીઝ રમાઈ નથી.
ICC ટુર્નામેન્ટ અને એશિયા કપમાં મેચો યોજાય છે
હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 10 વર્ષથી એશિયા કપ અને ICC ટૂર્નામેન્ટમાં જ મેચો યોજાય છે. તાજેતરમાં, ભારત અને પાકિસ્તાન 2022 એશિયા કપમાં બે વાર સામસામે હતા. જેમાં એક મેચમાં ટીમ ઈન્ડિયા અને એક મેચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો.
23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે
હવે ફરી એકવાર ICC 2022 T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જોવા મળશે. આ શાનદાર મેચ 23 ઓક્ટોબરે રમાશે. અગાઉ, જ્યારે 2021 T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમને-સામને આવી હતી, ત્યારે પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.
ત્યારે હાલ તો, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ સિરીઝની યજમાની કરવાની આ ઓફર અંગે ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શું વિચાર કરે છે તે હવે સમય જ બતાવશે.
આ પણ વાંચો...