Taniya Bhatia: ભારતીય મહિલા ટીમની વિકેટકીપર બેટ્સમેન તાનિયા ભાટિયાની સાથે તાજેતરમાં જ એક દુર્ઘટના ઘટી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી તાનિયા ભાટિયાએ બતાવ્યુ કે, તેના રૂમમાંથી ચોરી થઇ ગઇ છે, અને રોકડ રકમ સહિત દાગીના અને ઘડિયાળ ગાયબ છે. ક્રિકેટ ફેન્સ માટે આ ખરાબ સમાચાર છે, આ ઘટના તેના હૉટલ રૂમમા ઘટી છે, આ વાતની જાણ તેને ખુદ ટ્વીટ પર એક પૉસ્ટ કરીને આપી હતી.
ખરેખરમાં, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં 10થી 24 સપ્ટેમ્બર દરમિયાન 3 ટી20 અને 3 વનડે રમવાં પહોંચી હતી, આ દરમિયાન ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના લંડનના મેડા વેલમાં આવેલી હૉટલ મેરિયૉટમાં રોકાઇ હતી. અહીં તાનિયા ભાટિયાના સામાની ચોરી થવાની ઘટના ઘટી હતી.
ભાટિયાએ સોમવારે ટ્વિટર પર લખ્યું, "મેરિએટ હોટલ લંડન મેડા વેલેના મેનેજમેન્ટથી આઘાત અને નિરાશ છું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પ્રવાસ વખતે હોટલમાં મારા રોકાણ દરમિયાન, કોઈક મારા ખાનગી રૂમમાં આવ્યું હતું અને મારી બેગ ચોરી ગયું હતું. બેગમાં રોકડ, કાર્ડ, ઘડિયાળ અને ઝવેરાત હતા. તે અત્યંત અસુરક્ષિત છે. ક્રિકેટરે આ મામલે તપાસની માગ કરી છે અને વહેલાસર ઉકેલની આશા વ્યક્ત કરી છે. તેણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ની ફેવરિટ હોટલમાં સુરક્ષાના અભાવને આશ્ચર્યજનક ગણાવ્યો હતો. બીજા ટ્વીટમાં ભાટિયાએ લખ્યું, "હું આ મામલે ઝડપથી તપાસની માંગ કરવા અને સમાધાન માટે ઉત્સુક છું. ઇસીબીની મનપસંદ હોટલમાં સુરક્ષાનો અભાવ આશ્ચર્યજનક છે. આશા છે કે, તેઓ આ ઘટનાની નોંધ લેશે.
ભાટિયા ઈંગ્લેન્ડ સામેની ટી-20 અને વન ડે ટીમમાં સામેલ હતી. જોકે તેને આ પ્રવાસમાં એક પણ મેચ રમવાની તક મળી નહતી. રિચા ઘોષ ટી-૨૦ સિરીઝમાં ભારતની વિકેટકીપર હતી જ્યારે યસ્તિકા ભાટિયાએ વન-ડે સિરીઝમાં તાકાત બતાવી હતી. તાનિયા આગામી એશિયા કપ 2022 માટે ભારતની ટીમમાં સામેલ છે પરંતુ તેને રિઝર્વ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવી છે.