England vs Sri Lanka T20 World Cup 2022: શનિવારે સિડનીમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની જીત સાથે ઓસ્ટ્રેલિયાનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. સિડનીમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. બેન સ્ટોક્સ અને એલેક્સ હેલ્સે ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.




ઈંગ્લેન્ડની શરૂઆત મજબૂત રહી હતી. શ્રીલંકાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ માટે જોસ બટલર અને એલેક્સ હેલ્સ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બટલરે 23 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. હેલ્સે 30 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.


હેરી બ્રૂક્સ અને લિયામ વિલિંગ્સ્ટોન પણ ખાસ કંઈ કરી શક્યા ન હતા. આ બંને ખેલાડીઓ 4-4 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. મોઈન અલી માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સેમ કુરન પણ 11 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો.


પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. આ દરમિયાન પથુમ નિસાંકાએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે 45 બોલમાં 67 રન બનાવ્યા હતા. નિસાંકાની ઇનિંગમાં 5 સિક્સ અને 2 ફોરનો સમાવેશ થાય છે. પરંતુ તે પછી કોઈપણ ખેલાડી કંઈ ખાસ કરી શક્યો ન હતો. કુસલ મેન્ડિસ 14 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. ભાનુકા રાજપક્ષે 22 બોલમાં 22 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. ધનંજય ડી સિલ્વા 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન શનાકા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો.


ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે 3 વિકેટ લીધી હતી. તેણે 3 ઓવરમાં 26 રન આપ્યા. બેન સ્ટોક્સે 3 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી. ક્રિસ વોક્સે 3 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. સેમ કુરેને 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ લીધી હતી. આદિલ રાશિદે પણ એક વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 27 રન આપ્યા.