Pak vs Eng: ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પાકિસ્તાનના તેના ઘર આંગણે જ છોતરા કાઢી નાખ્યા હતાં. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરને બરાબરના ઝુડ્યા હતાં અને પહેલી જ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ઈંગ્લેન્ડે 4 વિકેટે 506 રન ફટકાર્યા હતાં. કોઈપણ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બનેલો સૌથી મોટો સ્કોર છે. મેચમાં જેક હેરી બ્રુક્સ છવાઈ ગયો હતો. તેણે એક જ ઓવરમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતાં. જેક ક્રાઉલીએ 122, બેન ડકેટે 107 અને ઓલી પોપે 104 રન બનાવ્યા હતાં. પાકિસ્તાનના જાહિદ મહમૂદે 2 અને હરીશ રાઉફે 1 વિકેટ ઝડપી હતી.
ખરાબ પ્રકાશને કારણે જ્યારે દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે પાકિસ્તાનનો 6.75 રન રેટથી 75 ઓવરમાં 4 વિકેટે 506 રન હતો. આ અગાઉ કોઈ ટીમ 500 રનના આંકડાને સ્પર્શી શકી નથી. અગાઉ 9 ડિસેમ્બર 1910ના રોજ ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં દક્ષિણ આફ્રિકા સામે 6 વિકેટે 494 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડના નામે વર્લ્ડ રેકોર્ડ, ODI જેવી ટેસ્ટ બેટિંગ
એક દિવસ પહેલા અજાણ્યા વાયરસથી બીમાર પડેલા ઈંગ્લિશ બેટ્સમેનોએ પ્રથમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે પાકિસ્તાની બોલરોને ધોઈ નાખ્યા હતા. મેચમાં જેક ક્રોલીએ 111 બોલમાં 21 ચોગ્ગાની મદદથી 122 રન બનાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ માટે ઓપનર તરીકે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ તેના નામે બન્યો હતો. તો બેન ડકેટે 110 બોલમાં 107 રન, ઓલી પોપે 104 બોલમાં 108 રન અને ત્યારબાદ હેરી બ્રુક્સે 81 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 101 રન બનાવ્યા હતા. બ્રુક્સે એક ઓવરના 6 બોલમાં સતત 6 ચોગ્ગા મારવાની સિદ્ધિ પણ મેળવી હતી. તો કેપ્ટન બેન સ્ટોક્સ 15 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 34 રન બનાવી અણનમ રહ્યો હતો. આ બંને બેટ્સમેન બીજા દિવસની રમત શરૂ કરશે. જો ખરાબ પ્રકાશને કારણે મેચ વહેલી પુરી ના કરવી પડી હોત તો બાકીની 15 ઓવર બાકી હતી. જેમાં ઈંગ્લેન્ડ પહેલા જ દિવસે 600 રનનો આંકડો પાર કરી શક્યું હોત.
ટેસ્ટના એક દિવસમાં 5મી વખત 500થી વધુ રન બનાવ્યા
ઈંગ્લેન્ડે 25 જુલાઈ 1936ના રોજ ભારત સામે (મેચના બીજા દિવસે) 6 વિકેટે 588 રન બનાવ્યા હતા. જે અત્યાર સુધીમાં ટેસ્ટ મેચના કોઈ પણ દિવસે બનેલો સૌથી ઉંચો સ્કોર છે. ટેસ્ટમાં અત્યાર સુધી માત્ર 5 વખત જ એવું બન્યું છે કે કોઈ ટીમે એક દિવસમાં 500 કે તેથી વધુ રન બનાવ્યા હોય.
જેક ક્રોલી અને બેન ડકેટની તોફાની શરૂઆત
ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકેટે સદી ફટકારતા પહેલી જ વિકેટ માટે 233 રનની ભાગીદારી નોંધાવી પાકિસ્તાની બોલરોના છોતરા કાઢી નાખ્યા હતા. મેચના એક દિવસ પહેલા ઈંગ્લેન્ડના પાંચથી છ ખેલાડીઓ વાયરલ ઈન્ફેક્શનનો શિકાર બન્યા હતા અને મેચને એક દિવસ આગળ ખસેડવાની ચર્ચા ચાલી રહી હતી પરંતુ ગુરુવારે મેચના સમયના બે કલાક પહેલા ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જણાવ્યું કે તેના 11 ખેલાડીઓ મેચ રમવા માટે તૈયાર છે.
પાકિસ્તાની બોલરોના ધુમાડા કાઢી નાખ્યા
ક્રાઉલી જ્યારે 99 રન પર હતો ત્યારે નસીમ શાહની બોલ પર ઓન-ફિલ્ડ અમ્પાયરે તેને એલબીડબ્લ્યુ આઉટ આપ્યો હતો પરંતુ તેણે રિવ્યુની માંગણી કરતાં નિર્ણય પલટી ગયો હતો. ત્યાર બાદ તેણે સદી ફટકારી 111 બોલમાં 21 ચોગ્ગાની મદદથી 122 રન બનાવ્યા હતા. છ વર્ષે પહેલી વાર ટેસ્ટ ટીમમાં સામેલ થયેલા ડકેટે 110 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 107 રન બનાવી શાનદાર પુનરાગમન કર્યું હતું. ટેસ્ટમાં આ તેની પ્રથમ સદી હતી.
જો કે પાકિસ્તાન બીજા સત્રમાં ત્રણ વિકેટ સાથે કમબેક કર્યું હતું પરંતુ ક્રાઉલી અને ડકેટે ટેસ્ટ ક્રિકેટમાં કોચ બ્રેન્ડન મેક્કુલમના આક્રમક અભિગમને યથાવત રાખતા ખુબ જ ઓછા બોલમાં 233 રનની ભાગીદારી કરી લીધી હતી. લેગ-સ્પિનરો ઝાહિદ મહમૂદ (2/160) અને હરિસ રઉફ (1/78)એ બંને ઓપનરોને સતત બે બોલમાં આઉટ કર્યા હતા. જો રૂટ 23 રન બનાવીને ઝાહિદની બોલ પર એલબીડબ્લ્યુ થયો હતો.
ઈંગ્લેન્ડની ટીમે વાઈરલ ઈન્ફેક્શનને કારણે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવો પડ્યો હતો. વિકેટકીપર બેન ફોક્સના સ્થાને વિલ જેક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેક્સ અને લિયામ લિવિંગસ્ટોને આ મેચમાં પદાર્પણ કર્યું હતું.