ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચમાં બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. માર્નસ લાબુશેન બાદ સ્ટીવ સ્મિથે પણ બેવડી સદી ફટકારી હતી. ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે આ મેચમાં ધમાકેદાર બેવડી સદી ફટકારી અને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.
સ્ટીવ સ્મિથે પોતાની બેવડી સદી 311 બોલમાં પૂરી કરી હતી જે તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી બેવડી સદી છે. પોતાની ઈનિંગમાં સ્ટીવ સ્મિથે 17 ચોગ્ગા ફટકાર્યા હતા અને ઈનિંગમાં અણનમ 200 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 598/4 પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે માર્નસ લાબુશેને પણ બેવડી સદી પણ ફટકારી હતી.
ડોન બ્રેડમેનના રેકોર્ડની બરોબરી કરી
જ્યારે સ્ટીવ સ્મિથે આ મેચમાં પોતાની 29મી સદી પૂરી કરી હતી. આ સાથે તે ટેસ્ટ સદીના મામલે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ડોન બ્રેડમેનની બરોબરી પર પહોંચી ગયો છે. સ્ટીવ સ્મિથે આ 29મી સદીને બેવડી સદીમાં બદલી હતી. જેણે માત્ર 52 મેચમાં 29 ટેસ્ટ સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા માટે રિકી પોન્ટિંગ (41), સ્ટીવ વો (32) અને મેથ્યુ હેડન (30)ના નામે વધુ સદી છે.
ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ ટેસ્ટ સદી
રિકી પોન્ટિંગ - 41 સદી, 168 મેચ
સ્ટીવ વો - 32 સદી, 168 મેચ
મેથ્યુ હેડન - 30 સદી, 103 મેચ
ડોન બ્રેડમેન - 29 સદી, 52 મેચ
સ્ટીવ સ્મિથ - 29 સદી, 88 મેચ
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ બીજા દિવસે પોતાની તાકાત બતાવી
ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતની ટેસ્ટમાં મજબૂત પકડ બનાવી છે. જેમાં માર્નસ લાબુશેન (204 રન)ની બેવડી સદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જે બીજા દિવસે લંચ પહેલા આઉટ થઈ ગયો હતો. લાબુશેનના આઉટ થતાની સાથે જ તેની અને સ્મિથની ત્રીજી વિકેટ માટે 251 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. લાબુશેનને 132 અને 194 રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે 293 રનથી રમવાનું શરૂ કર્યું, ત્યારે લાબુશેન 154 અને સ્મિથ 59 રન પર રમી રહ્યા હતા.