Edgbaston Test, 3rd Day Report: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. આ મેચના ત્રીજા દિવસના અંત સુધી ઈંગ્લેન્ડની ટીમ 28 રનમાં 2 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી છે. આ રીતે ઈંગ્લેન્ડની લીડ 35 રનની થઈ ગઈ છે. આ સમયે ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને ઓલી પોપ અણનમ છે. જ્યારે ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકેટ પેવેલિયન પરત ફર્યા છે. જેક ક્રાઉલી 25 બોલમાં 7 રન બનાવીને સ્કોટ બાઉલેન્ડ દ્વારા આઉટ થયો હતો.  બેન ડકેટ 28 બોલમાં 19 રન બનાવીને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સનો શિકાર બન્યો હતો.



સ્કોટ બોલેન્ડ અને પેટ કમિન્સને સફળતા મળી


આ રીતે ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડ અને પેટ કમિન્સે 1-1 વિકેટ લીધી હતી.  એજબેસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે વરસાદ વચ્ચે-વચ્ચે વરસ્યો હશે. જેના કારણે ઘણી વખત રમત બંધ કરવી પડી હતી. જો કે હવે ઇંગ્લેન્ડ ચોથા દિવસે 2 વિકેટે 28 રનથી આગળ રમવાનું શરૂ કરશે. ઇંગ્લેન્ડના ચાહકોની આશા રુટ પર ટકેલી છે, આ ખેલાડીએ પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી.


ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 393 રન બનાવ્યા હતા


આ મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે 8 વિકેટે 393 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે સદી ફટકારી હતી. જ્યારે જોની બેરસ્ટો અને જેક ક્રોલીએ પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડને 2 સફળતા મળી. સ્કોટ બોલેન્ડ અને કેમેરોન ગ્રીને 1-1 વિકેટ પોતાના નામે કરી હતી.


ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી ફટકારી હતી


ઈંગ્લેન્ડના 393 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 386 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડની ટીમને 7 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ સદી ફટકારી હતી. જ્યારે ટ્રેવિસ હેડ અને એલેક્સ કેરીએ પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. ટ્રેવિસ હેડે 63 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે એલેક્સ કેરી 99 બોલમાં 66 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ વિકેટકીપર બેટ્સમેને પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. બીજી તરફ ઈંગ્લેન્ડના બોલરોની વાત કરીએ તો સ્ટુઅર્ટ બ્રોડ અને ઓલી રોબિન્સને 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોઈન અલીને 2 સફળતા મળી હતી. આ સિવાય જેમ્સ એન્ડરસન અને કેપ્ટન બેન સ્ટોક્સને 1-1 સફળતા મળી હતી.