ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. ગુરુવારે (20 જુલાઈ) મેચનો બીજો દિવસ હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 317 રન બનાવ્યા છે. જવાબમાં ઈંગ્લેન્ડે આક્રમક બેટિંગ રમી હતી. બીજા દિવસના અંતે ઇગ્લેન્ડે ચાર વિકેટે 384 રન બનાવી લીધા છે. હાલમાં ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-1થી આગળ છે.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લિશ ટીમે ચાર વિકેટ ગુમાવીને 384 રન બનાવ્યા છે. હાલમાં હેરી બ્રુક 14 રને અને કેપ્ટન બેન સ્ટોક્સ 24 રને અણનમ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 317 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની લીડ અત્યાર સુધી 67 રનની છે. બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 182 બોલમાં 21 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અને 103.85ના સ્ટ્રાઈક રેટથી 189 રન બનાવ્યા. બેન ડકેટ એક રન બનાવીને આઉટ થયો હતો. ક્રાઉલીએ મોઈન અલી સાથે બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. મોઇન 54 રન બનાવીને આઉટ થયો હતો. જો રૂટ સદી ચૂકી ગયો હતો. તે 95 બોલમાં 84 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે અત્યાર સુધીમાં બે વિકેટ ઝડપી છે. જોશ હેઝલવુડ અને કેમરૂન ગ્રીનને એક-એક વિકેટ મળી હતી.
આ પહેલા ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 317 રનમાં સમેટાઈ ગયો હતો. માર્નસ લાબુશેન અને મિશેલ માર્શને બાદ કરતાં ઓસ્ટ્રેલિયાનો એક પણ બેટ્સમેન 50થી વધુ રન બનાવી શક્યો નહોતો. ડેવિડ વોર્નર 32 રન, ઉસ્માન ખ્વાજા ત્રણ રન, સ્ટીવ સ્મિથ 41 રન, ટ્રેવિસ હેડ 48 રન, કેમરૂન ગ્રીન 16 રન અને એલેક્સ કેરી 20 રન બનાવી આઉટ થયા હતા. લાબુશેને 115 બોલમાં છ ચોગ્ગાની મદદથી 51 રનની ઇનિંગ રમી હતી. માર્શ 60 બોલમાં સાત ચોગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 51 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન પેટ કમિન્સ એક રન અને હેઝલવુડ ચાર રન બનાવીને આઉટ થયો હતો. મિશેલ સ્ટાર્ક 36 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ સ્ટુઅર્ટ બ્રોડને બે વિકેટ મળી હતી. જેમ્સ એન્ડરસન, માર્ક વુડ અને મોઈન અલીને એક-એક વિકેટ મળી હતી.