England tour of Netherlands: આઈપીએલ-2022માં રાજસ્થાન તરફથી રમતા જોસ બટલરે પોતાની શાનદાર બેટિંગથી બધાના દિલ જીત્યા હતા. ત્યારે હાલ ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી વનડે સીરીઝમાં પણ જોસ બટલરે શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડે નેધરલેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વનડેમાં વિજય નોંધાવીને શ્રેણી 3-0થી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ 232 રને, બીજી મેચ 6 વિકેટથી અને છેલ્લી મેચ 8 વિકેટથી જીતી હતી. છેલ્લી વન ડે મેચમાં જોસ બટલરે 64 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 7 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન બટલરના બેટમાંથી એક એવો શોટ પણ નીકળ્યો, જેને જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.


બે ટપ્પા વાળા બોલ પર સિક્સર લગાવીઃ
શાનદાર બેટિંગ કરી રહેલા બટલરે બે ટપ્પા ખાઈને આવેલા બોલ પર સિક્સ ફટકારી હતી. આ બનાવ ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 29મી ઓવરમાં બન્યો હતો. ફાસ્ટ બોલર પોલ વાન મીકેરન ઓવરનો 5મો તેના હાથથી ચૂકી ગયો અને બોલ બે ટપ્પા ખાઈને બટલર પાસે પહોંચી ગયો. આ બોલ લેગ સાઇડ પર પિચની બહાર હતો, તેમ છતાં બટલર આ બોલ પર તૂટી પડ્યો અને તેણે સિક્સર ફટકારી હતી. આ સાથે જ તેણે ફ્રી હિટ બોલ પર સિક્સર ફટકારી હતી. આ સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




IPL 2022માં શાનદાર પ્રદર્શનઃ
IPL 2022 માં, જોસ બટલરે રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર બેટીંગ કરી હતી. તેણે 17 ઇનિંગ્સમાં 58ની એવરેજથી સૌથી વધુ 863 રન બનાવ્યા. આઈપીએલની 15મી સીઝનની ઓરેન્જ કેપ બટલરના નામે હતી. બટલરે IPL 2022માં 4 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલી પછી તે બીજો બેટ્સમેન છે જેણે IPL સિઝનમાં 4 સદી ફટકારી છે. જો કે, 29 મેના રોજ રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું.