મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2021 સીઝન માટે હરાજીની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે સૌની નજર આ વખતે ક્યો ખેલાડી સૌથી ઉંચા ભાવે વેચાય છે તેના પર છે. ઈંગ્લેન્ડનો ડાબોડી બેટ્સમેન ડેવિડ મલાન અત્યારે હોટ ફેવરીટ છે અને અત્યારે એવી આગાહી થઈ રહી છે કે ડેવિડ મલાન આઈપીએલમાં હરાજીના તમામ રેકોર્ડ્સ તોડી દેશે. આઈપીએલમાં સૌથી ઉંચા ભાવનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સના નામે છે. કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સે 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ડેવિડ મલાનને 20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે એવી આગાહી થઈ રહી છે.
ડેવિડ મલાનની વય 33 વર્ષનો છે પણ અત્યાર સુધીમાં ક્યારેય આઈપીએલમાં રમ્યો નથી. બલ્કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ છેલ્લાં ત્રણેક વર્ષથી જ છે પણ ડેવિડ મલાન અત્યારે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન છે તેથી તેમાં બધાંને રસ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મલાન તોફાની બેટિંગ કરીને છવાઈ ગયો છે. મલાને અત્યાર સુધીમાં 19 ટી-20 મેચ રમીને 855 રન બનાવ્યા છે. તેની એવરેજ પણ 53.43 રનનની છે. ડેવિડ અત્યાર સુધીમાં ટી-20માં એક સદી અને 9 અડધી સદી ફટકારી ચુક્યો છે. તમામ સ્તરની ટી-20 મેચોમાં મલાન અત્યાર સુધીમાં 6 હજાર રન બનાવી ચુક્યો છે.
ડિસેમ્બરમાં જ ડેવિડે દક્ષિણ આફ્રિકા સામે રમેલી ટી-20 સિરીઝમાં કુલ 173 રન બનાવીને ઈંગ્લેન્ડને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ ડેવિડ મલાન 915 અંક મેળવીને પહેલા સ્થાને પહોંચી ગયો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ પછી 900 અંક પાર કરનાર પહેલો બેટ્સમેન બની ગયો હતો. . ડેવિડે 2017માં ઈંગ્લેન્ડ વતી ટેસ્ટ ખેલાડી તરીકે ડેબ્યૂ કર્યું હતું અને 2020માં જ ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં થશે.