મેચમાં 32મી ઓવરમાં ચોથા બૉલ પર બિલિંગ્સે કમાલ કરી લીધો, બિલિંગ્સે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કને એવો છગ્ગો ફટકાર્યો કે બૉલ મેદાનની બહાર પાર્કિંગ એરિયામાં જઇને પડ્યો હતો
નવી દિલ્હીઃ બુધવારે રમાયેલી ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે મેચોની સીરીઝની અંતિમ મેચમાં એક શાનદાર છગ્ગો જોવા મળ્યો. જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા સામે 303 રનોનો ટાર્ગેટ મુક્યો હતો. જેને મહેમાન ટીમે છેલ્લી ઓવરમાં સાત વિકેટ ગુમાવીને હાંસિલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની વનડે સીરીઝને 2-1થી પોતાના નામ કરી લીધી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી, બાદમાં ટૉપ ઓર્ડર ધરાશાયી થયા બાદ સેમ બિલિંગ્સે જૉની બેયરર્સ્ટોની સાથે મળીને ટીમને આધાર આપ્યો, બિલિંગ્સે શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ. મેચમાં 32મી ઓવરમાં ચોથા બૉલ પર બિલિંગ્સે કમાલ કરી લીધો, બિલિંગ્સે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કને એવો છગ્ગો ફટકાર્યો કે બૉલ મેદાનની બહાર પાર્કિંગ એરિયામાં જઇને પડ્યો હતો. બિલિંગ્સના આ શૉટના કારણે બૉલ ખોવાઇ ગયો, બાદમાં એમ્પાયરે નવો બૉલ લઇને આપ્યો હતો. બિલિંગ્સનો આ છગ્ગાનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જોકે, સેમ બિલિંગ્સ પહેલી વનડેની જેમ સદી તો ના ફટકારી શક્યો પરંતુ તેને 2 છગ્ગાની મદદથી 57 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બિલિંગ્સની કમાલની ઇનિંગથી ઇંગ્લેન્ડ 50 ઓવરમાં 302 રનનુ લક્ષ્ય આપવામાં સફળ રહ્યું હતુ. જોકે, ઓસ્ટ્રેલિયા સામે બિલિંગ્સની ઇનિંગ છેવટે કામ ના આવી અને ઓસ્ટ્રેલિયાએ મેચની સાથે સાથે સીરીઝ પર કબજો જમાવી દીધો હતો.