India Vs England, India Playing 11: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 જુલાઈથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થઈ રહી છે. ટી20 સિરીઝમાં કેપ્ટનશીપ કર્યા બાદ હવે વનડે સિરીઝમાં પણ રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. જો કે, વનડે સિરીઝ દરમિયાન ભારતનું બોલિંગ આક્રમણ સંપૂર્ણપણે બદલાયેલું જોવા મળી શકે છે. વન ડે મેચમાં ભારતની પ્લેઈંગ 11માં પણ બદલાવ જોવા મળશે.


શિખર ધવન કરી શકે છે ઓપનિંગઃ
વનડે શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્મા ઓપનરની ભૂમિકામાં હશે. રોહિત શર્માને ઓપનિંગમાં શિખર ધવનનો સાથ મળશે. પસંદગીકારોએ ભલે ધવનને T20માં તક ન આપી હોય, પરંતુ ODI ફોર્મેટમાં તેના પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમતા જોવા મળશે.


સૂર્યકુમાર યાદવનું સ્થાન લગભગ નક્કીઃ
વિકેટકીપરની જવાબદારી રિષભ પંતના ખભા પર રહેશે અને તે ચોથા નંબર પર બેટિંગ કરશે. પાંચમાં નંબર માટે શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ વચ્ચે સ્પર્ધા થશે. સૂર્યકુમાર યાદવે ત્રીજી ટી20માં સદી ફટકારી હોવાથી પાંચમા નંબર પર તેનો દાવો મજબૂત બની શકે છે અને શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન ના મળે એવું પણ બની શકે છે.


હાર્દિક જાડેજા ફિનીશરની ભૂમિકામાંઃ
તો બીજી તરફ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ફિનીશર અને ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. હાર્દિક પંડ્યા 6 નંબર પર અને રવિન્દ્ર જાડેજા નંબર 7 પર બેટિંગ કરશે. શાર્દુલ ઠાકુરે પણ હાલમાં જ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે અને ઈંગ્લેન્ડની સ્થિતિને જોતા તેને 8મા નંબર પર તક આપવામાં આવશે. ચહલ સ્પિન બોલિંગનો હવાલો સંભાળશે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયા તમામ મોરચે ઈંગ્લેન્ડને પછાડવાના ઈરાદા સાથે આવતીકાલે મેદાન પર ઉતરશે.


ભારતની સંભવિત પ્લેઈંગ 11 ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીન), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.