નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૌતમ ગંભીરની ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે.


વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. બીસીસીઆઈએ હજુ સુધી હેડ કોચને લઈને કોઈ જાહેરાત કરી નથી. રાહુલ દ્રવિડ આગામી T20 વર્લ્ડ કપ સુધી ભારતીય ક્રિકેટ ટીમના બેડ કોચ છે. જે બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થશે. 


શું થઈ રહ્યું છે વાયરલ?


થ્રેડ યુઝરે પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, BCCIએ ગૌતમ ગંભીરને ભારતીય ટીમના નવા મુખ્ય કોચ તરીકે પસંદ કર્યા છે!! શું BCCIએ યોગ્ય કર્યું? ગૌતમ ગંભીર


પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જુઓ.



તપાસ


વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને એવા કોઈ સમાચાર મળ્યા નથી કે જેમાં કહેવામાં આવ્યું કે ગૌતમ ગંભીરની હેડ કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે.


 દૈનિક જાગરણની વેબસાઈટ પર 17 માર્ચ, 2024ના રોજ પ્રકાશિત રિપોર્ટ મુજબ, રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થઈ રહ્યો છે. આ પછી તેઓ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચના પદ પરથી રાજીનામું આપશે. તેમણે ફરીથી અરજી ભરવાની પણ ના પાડી દીધી છે. તેથી BCCIએ ટીમ ઈન્ડિયાના હેડ કોચની શોધ શરૂ કરી છે અને અરજીઓ મંગાવી છે. આ માટે BCCIએ ગૌતમ ગંભીરનો પણ સંપર્ક કર્યો છે.



હિન્દુસ્તાન ટાઈમ્સની વેબસાઈટ પર 19 એપ્રિલ, 2024ના રોજ પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, BCCIએ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનનો પણ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ માટે સંપર્ક કર્યો છે. બીસીસીઆઈએ હેડ કોચ પદ માટે લખનઉ સુપરજાયન્ટ્સના હેડ કોચ જસ્ટિન લેંગર અને ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગનો પણ સંપર્ક કર્યો છે. જોકે, ઘણા લોકોએ બીસીસીઆઈને ના પાડી દીધી છે.



India.com વેબસાઈટ પર 21 મે, 2024 ના રોજ પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, એમએસ ધોની પણ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવાની રેસમાં છે. તો 18 મે, 2024 ના રોજ Cricket.com વેબસાઇટ પર પ્રકાશિત રિપોર્ટ અનુસાર, VVS લક્ષ્મણ, રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર, સ્ટીફન ફ્લેમિંગ અને ગૌતમ ગંભીર મુખ્ય કોચ બનવાની રેસમાં છે.




તપાસ દરમિયાન અમને એવો કોઈ રિપોર્ટ મળ્યો નથી કે જેમાં બીસીસીઆઈ દ્વારા ગૌતમ ગંભીરની હેડ કોચ તરીકે નિમણૂકને લઈને કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય, ન તો ગૌતમ ગંભીર દ્વારા આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમે BCCI અને ગૌતમ ગંભીરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ સર્ચ કર્યા. અમને ત્યાં દાવા સંબંધિત કોઈ પોસ્ટ મળી નથી.


વધુ માહિતી માટે અમે ESPN ક્રિકઇન્ફોના સ્પોર્ટ જર્નાલિસ્ટ અને એંકર સૈયદ હુસૈન સાથે સંપર્ક કર્યો, તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. હજુ સુધી BCCI દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.


છેલ્લે અમે ખોટા દાવા સાથે પોસ્ટ શેર કરનાર યુઝરનું એકાઉન્ટ સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું છે કે યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ્સ શેર કરે છે.


નિષ્કર્ષઃ વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. BCCIએ હેડ કોચને લઈને હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. આગામી ટી20 વર્લ્ડ કપ સુધી રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ છે. જે બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થશે.



Disclaimer: This story was originally published by Vishwas News and republished by ABP Live Gujarati as part of the Shakti Collective.