ટીમ ઈન્ડિયાના પૂર્વ લેગ સ્પિનર ​​અમિત મિશ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અમિત મિશ્રાએ કરેલી ટ્વીટ જોરદાર રીતે વાયરલ થઈ રહી છે અને ચાહકો તેના પર ઘણી કોમેન્ટ પણ કરે છે. હવે અમિત મિશ્રાએ સુરેશ રૈનાના વખાણમાં એક ટ્વીટ કર્યું હતું જેના પર કોમેન્ટ કરીને એક ચાહકે અમિત મિશ્રાને ત્રણસો રૂપિયા મોકલવાની માંગ કરી હતી જેથી તે તેની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જઈ શકે. મહત્વની વાત એ છે કે અમિત મિશ્રાએ તેના ફેનની આ માંગ પૂરી કરી અને UPI દ્વારા 500 રૂપિયા મોકલ્યા હતા.






વાસ્તવમાં બુધવારે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022ની સેમિફાઇનલ દરમિયાન ઇન્ડિયા લિજેન્ડ્સના ખેલાડી સુરેશ રૈનાએ એક શાનદાર ફ્લાઇંગ કેચ લીધો હતો. તે કેચ જોઈને અમિત મિશ્રા પણ ખૂબ જ પ્રભાવિત થયો હતો અને વીડિયો શેર કરતી વખતે તેણે કોમેન્ટ કરી હતી, 'ભાઈ શું હું તમારી પાસેથી ટાઈમ મશીન ઉધાર લઈ શકું. જૂના જમાનાની જેમ તમે જે રીતે ફિલ્ડિંગ કરી છે એ જોઈને મને આશ્ચર્ય થાય છે.


આ જ ટ્વીટના જવાબમાં આદિત્ય કુમાર સિંહ નામના એક ચાહકે અમિત મિશ્રાને 300 રૂપિયા મોકલવાની વિનંતી કરી જેથી તે તેની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જઈ શકે. આ યુઝરે પોતાનું UPI આઈડી પણ શેર કર્યું છે. ત્યારબાદ અમિત મિશ્રાએ તે ફેનને 500 રૂપિયા પણ મોકલ્યા હતા. આ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરતાં ભારતના ભૂતપૂર્વ સ્પિનરે લખ્યું, 'ડન, ડેટિંગ માટે તમને શુભેચ્છાઓ.'


IPL ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો અમિત મિશ્રા


39 વર્ષીય અમિત મિશ્રા હાલમાં ક્રિકેટથી દૂર છે. આઈપીએલ 2022ની હરાજીમાં તે અનસોલ્ડ રહ્યો હતો.  અમિત મિશ્રા ગયા વર્ષની IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. લેગ સ્પિનર ​​અમિત મિશ્રા IPL ઇતિહાસમાં ત્રીજા સૌથી સફળ બોલર છે. અમિત મિશ્રાએ અત્યાર સુધી 154 મેચમાં 23.97ની એવરેજ અને 7.35ના ઈકોનોમી રેટથી 166 વિકેટ લીધી છે.


અમિત મિશ્રાનો ઇન્ટરનેશનલ રેકોર્ડ


અમિત મિશ્રાએ ભારત માટે 22 ટેસ્ટ, 36 ODI અને 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં અમિત મિશ્રાએ 35.72ની એવરેજથી 76 વિકેટ ઝડપી છે. દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 71 રનમાં પાંચ વિકેટ રહ્યું છે. અમિત મિશ્રાના નામે વન-ડે ઈન્ટરનેશનલમાં 23.60ની એવરેજથી 64 વિકેટનો રેકોર્ડ છે. મિશ્રાએ વન-ડે ઈન્ટરનેશનલમાં બે વખત પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય અમિત મિશ્રાએ T20 ઈન્ટરનેશનલમાં 16 વિકેટ લીધી હતી.