નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્પિનર આર અશ્વિને ગુરુવારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને તેના જન્મદિવસના એક દિવસ પહેલાજ શુભેચ્છા પાઠવી હતી. સચિન આજે પોતાનો 47મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન અશ્વિને કહ્યું કે, કેવી રીતે તેના પિતાએ વર્ષ 1998માં ઉંઘમાંથી ઉઠાડીને સચિનની શારહાજની એ ઐતિહાસિક ઇનિંગ બતાવી હતી જે આજે પણ કોઈ ભૂલી શક્યું નથી. અશ્વિને કહ્યું કે, તેના પિતાએ ઉઠાડીને કહ્યું, “શારજાહમાં આંધી આવી છે, કંઈક તો થવાનું છે.”

અશ્વિને કહ્યું કે, હું ઉઠ્યો અને મેં પહેલા જોયું કે એક તોફાન હતું અને પછી સચિને ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી હતી. કોકો કોલા કપના ફાઈનલમાં પહોંચવા માટે ભારતે 254 રન બનાવવાના હતા અને તેનાથી ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને રનરેટથી પાછળ છોડી દેવાની હતી. એવામાં બધા ફેન્સના જીવ અધ્ધર થઈ ગયા જ્યારે મેચની વચ્ચે તોફાન આવ્યું અને રમત ત્યારે જ રોકવી પડી.

ભારતીય ટીમે બ્રેક બાદ રમવાનું ફરી શરૂ કર્યું ત્યારે ભારતને 46 ઓવરમાં 277 રન બનાવવાના હતા. સચિન તેંડુલકરે 131 બોલરમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 143 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થઈ ગયા અને પછી ભારતીય ટીમ પણ 46 ઓવરમાં 5 વિકેટ ગુમાવીરને 250 રન જ બનાવી શકી. આ રીતે મેચ 26 રને ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું.

અહીં ટીમ ઇન્ડિયા મેચ તો ન જીતી શકી પરંતુ સચિનની ઇનિંગ એ દિવસ બધા માટે એક એવી યાદગાર ઇનિંગ બની ગઈ જેને ક્યારેય કોઈ ભૂલી નહીં શકે. અંતે નેટ રન રેટના જોરે ટીમ ઇન્ડિયા કોકા કોલા કપના ફાઈનલમાં પહોંચી ગઈ હતી.