નવી દિલ્હીઃ  ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે  સાઉથમ્પટનમાં આજે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ રમાશે. લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડ઼િયા અને કેન વિલિયમ્સનના નેતૃત્વમાં  ન્યૂઝિલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવું છે. ટીમ ઇન્ડિયાએ મેચના એક દિવસ અગાઉ જ પ્લેઇંગ 11 જાહેર કરી દીધી છે. જ્યારે કિવિ ટીમે અત્યાર સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. ફાઇનલ મેચ આજે બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. 


જોકે, ભારતને ફાઇનલ મેચ અગાઉ પ્રેક્ટિસ કરવાની તક મળી નથી જેના કારણે ટીમ ઇન્ડિયાએ પ્લેઇંગ 11માં પોતાના સૌથી અનુભવી ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જોકે ન્યૂઝિલેન્ડની ટીમ ઇગ્લેન્ડ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની શ્રેણી રમી હતી.



ભારતે ડબલ્યૂટીસીના પીરિયડમાં ન્યૂઝિલેન્ડ સાથે છેલ્લા વર્ષની શરૂઆતમાં ટેસ્ટ સીરિઝ રમી હતી જેમાં ટીમ ઇન્ડિયાએ 0-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તે સીરિઝમાં ન્યૂઝિલેન્ડના બોલરોએ ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.


ફાઇનલ અગાઉ ચર્ચા એવી હતી કે ન્યૂઝિલેન્ડના ઝડપી બોલરો ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. પરંતુ ગાવસ્કર અને પાનેસર જેવા ખેલાડીઓનું માનવું છે કે સાઉથમ્પટનમાં હાલમાં જે ગરમી પડી રહી છે તે ભારતના સ્ટાર સ્પિનર્સ અશ્વિન અને જાડેજાને પિચથી મદદ આપી શકે છે.


પરંતુ ન્યૂઝિલેન્ડના ઝડપી બોલરોને સ્વિંગ માટે ઓળખવામાં આવે છે ડ્યૂક બોલથી તેમનું કામ સરળ થઇ જાય છે. ભારતના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી ન્યૂઝિલેન્ડના સ્વિંગ બોલરો સામે પરેશાન થતા રહ્યા છે. પિચ ક્યૂરેટર સાઇમન લીએ કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે આ પિચ પર પેસ અને બાઉન્સ રહે.


ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 59 ટેસ્ટ મેચ રમાઇ છે જેમાં ભારત 21 મેચ જીત્યું છે અને 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


ભારતીય ટીમ


રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્નિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમ્મી