નવી દિલ્હીઃ વર્ષ 2020 શરૂ થઇ ચૂક્યું છે અને વર્ષ 2019 પૂર્ણ થઇ ચૂક્યું છે ત્યારે તમામ દિગ્ગજ ક્રિકેટરોએ એક દાયકાની પોતાની બેસ્ટ વન-ડે, ટી-20 અને ટેસ્ટ ટીમ પસંદ કરી છે. આ લિસ્ટમાં હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા પણ સામેલ થઇ ગયો છે. રોબિન ઉથપ્પાએ આ દાયકાની પોતાની બેસ્ટ વન-ડે ટીમ પસંદ કરી છે. ઉથપ્પાએ પોતાની વન-ડે ટીમમાં પાંચ ભારતીય ક્રિકેટરને સામેલ કર્યા છે. ટીમમા વિરાટ કોહલી અને ધોનીનો સમાવેશ કર્યો છે.
ઉથપ્પાની આ ટીમમાં રોહિત શર્મા અને ક્રિસ ગેઇલને ઓપનર તરીકે પસંદ કર્યા છે. મિડલ ઓર્ડરમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને એબી ડિવિલિયર્સને સ્થાન આપ્યું છે. જ્યારે ફિનિશર તરીકે આ ટીમમાં ઉથપ્પાએ મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજસિંહની પસંદગી કરી છે.
ઉથપ્પાએ ટીમની કેપ્ટનશીપ ધોનીને સોંપી છે. ઉથપ્પાની આ ટીમમાં ડેનિયલ વેટ્ટોરી એક માત્ર સ્પિનર છે. ઓલરાઉન્ડર તરીકે ઇગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સને સ્થાન અપાયું છે. ઝડપી બોલર તરીકે ઝહીર ખાન, લસિથ મલિંગાને સ્થાન આપ્યું છે.