નવી દિલ્હીઃ ક્રિકેટ વિશ્વના મહાન કેપ્ટન પૈકીના એક એવા ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે ભારત કે ઓસ્ટ્રેલિયા પૈકી કોનું બોલિંગ આક્રમણ શ્રેષ્ઠ છે તેનો શાનદાર જવાબ આપ્યો હતો. પોન્ટિંગે કહ્યું જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા જેવા ફાસ્ટ બોલરના બળે ભારત ટેસ્ટ રેંકિંગમાં ટોચ પર પહોંચ્યું છે. ભારતના ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સીરિઝ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.



ભારતીય સ્પિનરોને ઓસ્ટ્રેલિયામાં મુશ્કેલી થશે અને યજમાન ટીમનું બોલિંગ પલ્લું ભારે હશે. ભારત પાસે ભલે મજબૂત ફાસ્ટ બોલિંગ આક્રમણ હોય પરંતુ તેના સ્પિનર ઓસ્ટ્રેલિયામાં લય કાયમ નહીં રાખે. પોન્ટિંગે એક સ્પોર્ટ્સ વેબસાઇટને જણાવ્યું, ભારતનું બોલિંગ આક્રમણ શાનદાર છે. બુમરાહ અને શમી છેલ્લા થોડા વર્ષોથી શાનદાર બોલિંગ કરી રહ્યા છે. ઉમેશ યાદવ અને ઈશાંત શર્મા સહિતનું ભારતનું ફાસ્ટ બોલિંગ આક્રમણ શ્રેષ્ઠ છે.



તેમની સાથે સ્પિનર અશ્વિન અને જાડેજાને જોડી દેવામાં આવે તો ભારતનું આક્રમણ સારું દેખાય છે. પરંતુ તેના સ્પિનરોને ઓસ્ટ્રેલિયામાં મુશ્કેલી આવશે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સ્પિનરોની તુલનામાં નાથન લાયનનો રેકોર્ડ ઘણો સારો છે. ઓસ્ટ્રેલિયાની બોલિંગમાં વિવિધતા છે, જેના કારણે તે અન્ય ટીમો કરતાં શ્રેષ્ઠ સાબિત થાય છે.



લાયને ઓસ્ટ્રેલિયામાં રમેલી 45 ટેસ્ટમાં 171 વિકેટ લીધી છે. જેમાં ભારત સામે 11 ટેસ્ટમાં 51 વિકેટ પણ સામેલ છે. તે ઘરેલુ જમીન પર ભારત સામે ચાર વખત પાંચ કે તેથી વધુ વિકેટ લઈ ચુક્યો છે. અશ્વિને ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં રમેલી 7 ટેસ્ટમાં 27 વિકેટ લીધી છે. તે એક પણ વખત અહીંયા પાંચ વિકેટ ઝડપી શક્યો નથી. જ્યારે કરિયરમાં 27 વખત આ કારનામું કરી ચુક્યો છે.