CWC 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો ઉત્સાહ દરેકને દિવાના બનાવી રહ્યો છે. વર્લ્ડ કપ દરમિયાન અત્યાર સુધી ઘણી રોમાંચક મેચો જોવા મળી છે. આ વખતે ભારત ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે અને તે પ્રબળ દાવેદારોમાંનું એક છે. આવી સ્થિતિમાં દર્શકોની સાથે-સાથે બજારનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે. ઘણા નિષ્ણાતોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે કે ક્રિકેટ વર્લ્ડ કપના આયોજનથી દેશની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો થવાનો છે. હવે પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ પણ આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે.


આ ઉદ્યોગોને સીધો લાભ મળશે
દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે શુક્રવારે LinkedIn પર એક પોસ્ટમાં લખ્યું, આ મેગા ઈવેન્ટ માત્ર ક્રિકેટ વિશે નથી. આ પ્રવાસ અને પર્યટન, હોસ્પિટાલિટી, જાહેરાત અને મર્ચેન્ડાઇઝિંગ જેવા ઘણા ઉદ્યોગોને સમર્થન પૂરુ પાડે છે. આ ઘણા સંબંધિત ઉદ્યોગો માટે મોટી કમાણી પેદા કરે છે અને એકંદર અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે. ભૂતપૂર્વ ક્રિકેટરે ખાસ કરીને ત્રણ ઉદ્યોગોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કેવી રીતે વર્લ્ડ કપ અર્થતંત્ર માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.


જાહેરાત/(Advertising): અનિલ કુંબલેએ ક્રિકેટ વર્લ્ડ કપને જાહેરાતકર્તાઓ માટે સોનાની ખાણ તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું કે આ ઇવેન્ટે બ્રાન્ડ્સને એક સાથે કરોડો લોકોની નજરમાં આવવાની સુવર્ણ તક આપી છે. પ્રેક્ષકોની શ્રેણી એટલી વૈવિધ્યસભર છે કે કોઈપણ બ્રાન્ડ તેમની વચ્ચે તેના ગ્રાહકોને શોધી અને લક્ષ્ય બનાવી શકે છે. આ વર્ષે, ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ જાહેરાતોથી 2000-2200 કરોડ રૂપિયાની આવક મેળવવાની અપેક્ષા છે, જે ગયા વર્લ્ડ કપ કરતાં 40 ટકા વધુ છે.


આતિથ્યઃ સત્કાર (Hospitality): કુંબલે કહે છે કે વર્લ્ડ કપનું આયોજન કરીને યજમાન દેશ વિવિધ પ્રવૃત્તિઓનું હબ બની જાય છે. આ સમયગાળા દરમિયાન, હોટલ, રેસ્ટોરાં અને પ્રવાસી આકર્ષણોમાં લોકોની અવરજવર વધે છે. 2015ના વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની હોટલોમાં 20 લાખ બેડ નાઈટ રેકોર્ડ કર્યો હતો. 5 લોકોના રુમ 5-5 લોકો શેર કરતા હતા. 2019 વર્લ્ડ કપ દરમિયાન, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હોસ્પિટાલિટી ઉદ્યોગમાં 40 ટકા વૃદ્ધિ નોંધવામાં આવી હતી.


પ્રવાસન (Tourism): વિશ્વ કપ દરમિયાન, યજમાન દેશને તેના આકર્ષક પ્રવાસન સ્થળોને સમગ્ર વિશ્વના પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાની તક મળે છે. 2015માં 1.45 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મુલાકાત લીધી હતી. મેલબોર્ન જેવા શહેરો, જેમણે 2015 વર્લ્ડ કપ ફાઈનલનું આયોજન કર્યું હતું, ત્યાં પ્રવાસનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.