Virat Kohli May Step Down from ODI and Test Captaincy: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે વિરાટ કોહલી કોરોના સંબંધિત દબાણનો સામનો કરવા માટે T20 ઈન્ટરનેશનલ બાદ વનડે અને ટેસ્ટમાંથી કેપ્ટનશિપ છોડી શકે છે. UAEમાં રમાઈ રહેલા ICC T20 વર્લ્ડ કપમાંથી ભારતની વહેલી બહાર થવાની સાથે શાસ્ત્રીનો ટીમ સાથેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.
ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં કોહલીની કેપ્ટનશીપ વિશે પૂછવામાં આવતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે તે વર્કલોડના વધુ સારા સંચાલન માટે અન્ય ફોર્મેટમાંથી નેતૃત્વની જવાબદારી છોડી શકે છે. તેણે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં તેની કપ્તાનીમાં ભારત છેલ્લા પાંચ વર્ષથી ટોચ પર છે. જ્યાં સુધી તે માનસિક રીતે થાકી ન જાય ત્યાં સુધી તે તેને છોડવા માંગતો નથી. જો કે, તે નજીકના ભવિષ્યમાં બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાની પદ છોડી શકે છે.
ભૂતપૂર્વ મુખ્ય કોચે વધુમાં કહ્યું, "તે તરત નહીં થાય, પરંતુ તે થઈ શકે છે. તે સફેદ બોલ ક્રિકેટ (મર્યાદિત ઓવરના ફોર્મેટમાં) સાથે પણ થઈ શકે છે. તે કહી શકે છે કે તે હવે માત્ર ટેસ્ટ કેપ્ટનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ઘણા સફળ ખેલાડીઓએ તેમની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેપ્ટનશીપ છોડી દીધી છે.”
શાસ્ત્રીએ વધુમાં કહ્યું, "તે (કોહલી) ચોક્કસપણે રમતમાં સારો દેખાવ કરવાની ભૂખ ધરાવે છે, તે ટીમના કોઈપણ કરતાં ફિટ છે. તેના વિશે કોઈ શંકા નથી. જ્યારે તમે શારીરિક રીતે ફિટ હોવ છો, ત્યારે રમતની દ્રષ્ટિએ તમારી ઉંમર વધી જાય છે. કેપ્ટનશીપ મામલે તે તેનો નિર્ણય હશે. પરંતુ હું જોઉં છું કે તે સફેદ બોલની ક્રિકેટને ના કહી શકે છે, પરંતુ લાલ બોલની ક્રિકેટમાં તેણે ચાલુ રાખવું જોઈએ. કારણ કે તે ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ કેપ્ટન રહ્યો છે."
ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવના ખેલાડીઓ દેશ કરતાં આઈપીએલને પ્રાધાન્ય આપતા હોવાના આરોપો વિશે પૂછવામાં આવતા શાસ્ત્રીએ કહ્યું, "આઈપીએલ એપ્રિલમાં મુલતવી રાખવામાં આવ્યા પછી, તેમની પાસે (બીસીસીઆઈ) કોઈ વિકલ્પ નહોતો. મને નથી લાગતું કે ભવિષ્યમાં તે ફરીથી થશે. જ્યાં સુધી કપિલની વાત છે, તો તે IPL શેડ્યૂલ વિશે સાચો છે કારણ કે તેનાથી ખેલાડીઓનો થાક વધી ગયો છે.”