ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)માં મોટી જવાબદારી મળી છે. ગાંગુલીને ICC મેન્સ ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. ICC એ રવિવારે (13 એપ્રિલ) આ જાહેરાત કરી હતી. ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણને પણ આઈસીસીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. 2000 થી 2005 સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર ગાંગુલી 2021માં પહેલીવાર આ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. 






ટેમ્બા બાવુમા પણ સમિતિનો ભાગ છે


વીવીએસ લક્ષ્મણને આઈસીસી મેન્સ ક્રિકેટ કમિટીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગાંગુલી-લક્ષ્મણ ઉપરાંત આ સમિતિમાં હામિદ હસન, ડેસમંડ હેન્સ, ટેમ્બા બાવુમા અને જોનાથન ટ્રોટનો સમાવેશ થાય છે. આ નિમણૂકોને ICC ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટીની ભલામણો બાદ મંજૂરી આપવામાં આવી હતી. ગાંગુલી અને લક્ષ્મણ પણ અગાઉ ICCમાં આ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમની વાપસી એવા સમયે થઇ છે વૈશ્વિક ક્રિકેટ પડકારો અને તકો બંનેનો સામનો કરી રહ્યું છે.


નોંધનીય છે કે ગાંગુલીના નેતૃત્વ હેઠળની આ સમિતિએ વન-ડે  ક્રિકેટમાં એક જ બોલના ઉપયોગની ભલામણ કરી છે. વનડેમાં બે નવા બોલનો નિયમ ઘણા સમયથી અમલમાં છે. આ ભલામણને ICC બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ તેને સુધારેલી રમતની શરતોમાં સામેલ કરવામાં આવશે. રવિવારે ઝિમ્બાબ્વેના હરારેમાં ICC બોર્ડ આ મુદ્દા પર ચર્ચા કરે તેવી શક્યતા છે. હાલમાં વનડેમાં બે નવા બોલનો ઉપયોગ થાય છે. બોલરો દરેક છેડેથી અલગ અલગ નવા બોલનો ઉપયોગ કરતા હોવાથી બોલ સખત રહે છે, જેના કારણે બેટ્સમેનોને મુક્તપણે સ્કોર કરવાનો ફાયદો મળે છે.


IPL એ અફઘાનિસ્તાનથી વિસ્થાપિત મહિલા ક્રિકેટરોને મદદ કરવા માટે એક સમર્પિત પહેલ શરૂ કરી છે. આ ખેલાડીઓ માટે વધતી ચિંતાઓ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. ઘણા અફઘાન ખેલાડીઓએ તેમના દેશમાં રાજકીય અને સામાજિક પ્રતિબંધોને કારણે તાલીમ, ભંડોળ અને આંતરરાષ્ટ્રીય મંચોનો લાભ ગુમાવ્યો છે. આ માટે ICC એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) સાથે મળીને લાંબા ગાળાની યોજના તૈયાર કરી છે. અફઘાન મહિલા ખેલાડીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક ભંડોળ બનાવવામાં આવશે.


ICC મહિલા ક્રિકેટ સમિતિ: કેથરિન કેમ્પબેલ, એવરિલ ફાહે અને ફોલેટ્સી મોસેકી.


ICC મેન્સ ક્રિકેટ કમિટી: સૌરવ ગાંગુલી (ચેરમેન), હામિદ હસન, ડેસમંડ હેન્સ, ટેમ્બા બાવુમા, વીવીએસ લક્ષ્મણ અને જોનાથન ટ્રોટ.