Ravi Shastri On Rishabh Pant: ભારતીય વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પોતાના ખરાબ પ્રદર્શનથી ક્રિકેટ ફેન્સને નિરાશ કર્યા છે. તે જ સમયે, ઋષભ પંતને ઝિમ્બાબ્વે સામેની છેલ્લી સુપર-12 રાઉન્ડની મેચમાં રમવાની તક મળી, જ્યારે દિનેશ કાર્તિકને ટીમમાં જગ્યા મળી ન હતી. દિનેશ કાર્તિક T20 વર્લ્ડ કપ 2022ની 4 મેચમાં માત્ર 14 રન જ બનાવી શક્યો છે. ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ સેમીફાઈનલમાં દિનેશ કાર્તિક રમશે કે ઋષભ પંત... હવે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.
ઋષભ પંતને તક મળે - રવિ શાસ્ત્રી
ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને તક મળવી જોઈએ. સાથે તેમણે કહ્યું કે, ઋષભ પંત એક્સ ફેક્ટર છે, દિનેશ કાર્તિક ટીમનો સારો ખેલાડી છે, પરંતુ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોના બોલિંગ આક્રમણને જોતા ઋષભ પંત વધુ સારો વિકલ્પ છે. રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે જો ઋષભ પંત રમશે તો ડાબા હાથના બેટ્સમેનની કમી પણ પૂરી થઈ જશે.
શા માટે ઋષભ પંતને તક અપાય?
રવિ શાસ્ત્રીનું કહેવું છે કે ઈંગ્લેન્ડ સામે ઋષભ પંતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ કારણે ઋષભ પંતને સેમીફાઈનલ જેવી મહત્વની મેચમાં તક મળવી જોઈએ. તેણે કહ્યું કે, જો તમે એડિલેડમાં મેચ રમી રહ્યા છો તો એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, ત્યાંની બાઉન્ડ્રી નાની છે. બીજી તરફ ઋષભ પંત જેવો બેટ્સમેન રમશે તો ઈંગ્લેન્ડની બોલિંગનો વધુ સારી રીતે સામનો કરી શકશે. સાથે જ તેમણે કહ્યું કે કોઈ પણ ટીમમાં વધુ પડતા જમણા હાથના બેટ્સમેન હોવા યોગ્ય નથી.
સેમિ ફાઈનલમાં આ ટીમો રમશેઃ
T20 વર્લ્ડ કપ માટે સેમિ ફાઈનલના જંગ માટે ટીમો નક્કી થઈ ગઈ છે. હવે ભારત સેમિ ફાઈનલમાં 10 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે રમશે. જ્યારે સેમી ફાઈનલમાં પાકિસ્તાનની ટક્કર ન્યૂઝિલેન્ડ સામે 9 નવેમ્બરના રોજ થશે. પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની 9 નવેમ્બરના રોજ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરે 1.30 વાગ્યે રમાશે. આ સાથે 10 નવેમ્બરના રોજ બીજો સેમિ ફાઈનલ મુકાબલો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ભારત અને ઈંગ્લેન્ડની મેચ બપોરે 1.30 વાગ્યે ઓવેલ સ્ટેડિયમ એડિલેડ ખાતે રમાશે.