નવી દિલ્હી:  ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અને 2007 ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય આરપી સિંહના પિતાનું કોરોનાને કારણે નિધન થયું છે. આ વાતની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે. તેમના પિતા શિવ પ્રસાદ સિંહ ઘણાં દિવસથી બીમાર હતા અને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 




આર પી સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, ‘દુઃખ સાથે કહેવું પડે છે કે મારા પિતા શિવ પ્રસાદ સિંહનું નિધન થયું છે. કોરોનાથી સંક્રમિત મારા પિતા 12 મેના રોજ અમને છોડીને ચાલ્યા ગયા. હું તમને બધાને વિનંતી કરું છું કે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. ઓમ શાંતિ ઓમ. રેસ્ટ ઇન પીસ.’


 



સુરેશ રૈનાએ સંવેદના વ્યક્ત કરતા ટ્વીટ કરીને લખ્યું કે,  આરપી સિંહના પિતાના નિધનથી દુખની લાગણી અનુભવું છું.  તને અને તમારા પરિવાર પ્રત્યે મારી સંવદેનાઓ છે. ઓમ શાંતિ..


 


હાલમાં જ ભારતીય લેગ સ્પિનર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ કુમાર ચાવલાનું સોમવારે કોરોના વાયરસના કારણે નિધન થયું હતું. ક્રિકેટરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ખૂબ જ દુખ સાથે જણાવવું પડે છે કે મારા પિતા પ્રમોદ કુમાર ચાવલાનું 10મેના નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ અને ત્યારબાદ અન્ય બીમારી સામે લડી રહ્યા હતા. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.


રાજસ્થાન રોયલ્સના બોલર ચેતન સાકરિયાના પિતાનું પણ થોડા દિવસ પહેલા જ કોરોનાથી નિધન થયું હતું.