Shoaib Akhtar: પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અખ્તરે કહ્યું છે કે, તે એક મેચ દરમિયાન હું મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડૂલકરને આઉટ કરવા નહોતો ઈચ્છતો પરંતુ તેમને ઈજાગ્રસ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. આ વાત વર્ષ 2006 દરમિયાન કરાચીમાં રમાયેલી ટેસ્ટ મેચની છે. આ ટેસ્ટ મેચમાં જ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે મેચની પહેલી જ ઓવરમાં હેટ્રિક વિકેટ ઝડપવાનું કારનામું કરી બતાવ્યું હતું. આ સીરીઝની પહેલી બંને ટેસ્ટ ડ્રો રહી હતી. જ્યારે આ ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે પાકિસ્તાને 1-0થી આ ટેસ્ટ સીરીઝ જીતી લીધી હતી.
'સચિનને આઉટ નહી પણ ઘાયલ કરવો હતો'
રાવલપિંડી એક્સપ્રેસના નામથી મશહૂર શોએબ અખ્તરે કહ્યું કે, એ કરાચી ટેસ્ટમાં સચિન તેંડૂલકરને આઉટ નહોતો કરવા ઈચ્છતો પણ ઘાયલ કરવા ઈચ્છતો હતો. તેમણે કહ્યું કે, હું પહેલી વખત આ ખુલાસો કરી રહ્યો છું કે, હું જાણી-જોઈને એ ટેસ્ટ મેચમાં સચિનને હિટ કરવા ઈચ્છતો હતો. આ મેચ દરમિયાન હું વિચારીને ઉતર્યો હતો કે, કોઈ પણ રીતે સચિનને ઈજાગ્રસ્ત કરવો છે. અમારા કેપ્ટન ઈંજમામ સતત મને કહી રહ્યો હતો કે વિકેટની સામે બોલિંગ કરો. પરંતુ મેં તેમ ના કર્યું. શોએબ અખ્તરે આગળ કહ્યું કે, પછી મેં સચિનના હેલ્મેટ પર બોલ માર્યો અને પછી મારો હેતુ પુરો થઈ ગયો.
'મેં સચિનના હેલ્મેટ પર બોલ માર્યો'
શોએબ અખ્તરે કહ્યું કે, સચિનના હેલ્મેટ પર બોલ વાગ્યાનો વીડિયો પછી મેં જોયો. જ્યારે મેં વીડિયો જોયો ત્યારે ખબર પડી કે સચિન પોતાના બચાવવામાં સફળ રહ્યો હતો. તે મેચ દરમિયાન મેં ફરી સચિન તેંડુલકરને હીટનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે, મોહમ્મદ આસિફ બીજી તરફથી શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. મોહમ્મદ આસિફના બોલ પર ભારતીય બેટ્સમેન સતત પરેશાન થઈ રહ્યા હતા. શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે, તે દિવસે મોહમ્મદ આસિફે જે પ્રકારની બોલિંગ કરી તે મેં અત્યાર સુધી બહુ ઓછી જોઈ છે. પ્રથમ દાવમાં ઓછો સ્કોર બનાવવા છતાં, મોહમ્મદ આસિફની શાનદાર બોલિંગના કારણે પાકિસ્તાને તે મેચ જીતી લીધી હતી.