નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ આની ઝપેટમાં આવી ગયો છે. તેને શનિવારે એક ટ્વીટ કરીને આની જાણ કરી હતી. આફ્રિદી સંક્રમિત થયાના સમાચાર બાદ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે બધાનુ દિલ જીતી લે એવુ નિવેદન આપ્યુ હતુ.


આજતક સાથે વાતચીત કરતા પૂર્વ ક્રિકેટર ગંભીરે કહ્યું, હું નથી ઇચ્છતો કે કોઇપણ આ વાયરસની ઝપેટમાં આવે, શાહિદ આફ્રિદીની સાથે મારા રાજકીય મતભેદ છે, પણ હું ઇચ્છુ છુ કે તે બહુ જલ્દી સાજો થઇ જાય.



શાહિદ આફ્રીદીએ ટ્વીટ કરીને લખ્યું હતુ કે, હું ઘણાં દિવસોથી સારું અનુભવી રહ્યો ન હતો, આ કારણે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. દુર્ભાગ્યથી મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સારા સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરો.



કોરોનાની ઝપેટમા આવ્યા બાદ શાહિદ આફ્રિદીને લઇને ગંભીરની સહાનુભૂતિએ ભારત જ નહીં પણ પાકિસ્તાની ફેન્સના પણ દિલ જીતી લીધા છે. એક ફેને કહ્યું કે ગંભીર તરફથી આ એકદમ સકારાત્મક સંદેશ છે.



શાહિદ આફ્રિદી છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકો, જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે, આવામાં આફ્રિદી કેટલાય લોકોના સંપર્કમા આવ્યો હતો.

નોંધનીય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત સ્ટેટમેન્ટ આપીને આફ્રિદી ચર્ચામાં આવ્યો હતો, આના જવાબમાં ગૌતમ ગંભીરે આફ્રિદીને ઝાટકણી કાઢી હતી. અવારનવાર આફ્રિદી અને ગંભીર એકબીજા પર આક્ષેપો કરતા રહે છે.