વડોદરા: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું અવસાન થયું છે. કૃણાલ અને હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાને હાર્ટ અટેક આવતાં નિધન થયું છે. તેમના નિધનના કારણે પંડ્યા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


પંડ્યા બ્રધર્સના પિતાના નિધનને લઇ ક્રિકેટના ભગવાન ગણાતાં ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર સહિત અનેક ક્રિકેટરો, ફેન્સે શોક વ્યક્ત કર્યો છે. સચિને તેંડુલકરે ટ્વિટ કરીને લખ્યું,  હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાના નિધનના સમાચાર સાંભળી દુઃખી છું. મારી સંવેદના પંડ્યા પરિવાર સાથે છે. આ મુશ્કેલ સમયમાં સામનો કરવાની પંડ્યા બ્રધર્સને હિંમત મળે.



હાર્દિક અને કૃણાલને ક્રિકેટર બનાવવા  માટે તેના પિતાએ ઘણી મહેનત કરી હતી. વર્ષો પહેલા સુરતથી વડોદરા રહેવા માટે આવ્યા હતા, તેઓ વાઘોડિયા રોડ પર આવેલા ફ્લેટમાં 2 BHKમાં ભાડે રહેતા હતા. આ આર્થિક સંકળામળ વચ્ચે તેમના પિતા હિમાંશુ પંડ્યા 2011માં હાર્ટ અટેક આવ્યો હતો.

પિતાના નિધનના સમાચાર મળતાં કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડીને રવાના થયો હતો. તે વડોદરાની ટીમનું નેતૃત્વ કરતો હતો. તેના સ્થાને કેદાર દેવધરને વડોદરા ટીમનો કેપ્ટન બનાવાયો છે. જ્યારે હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનો હિસ્સો નથી. તે હાલ પત્ની અને પુત્ર સાથે સમય ગાળી રહ્યો છે.