India vs Rest of World: ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી વિવિધ પ્રકારે થઈ રહી છે. આ દરમિયાન ભારત સરકાર ક્રિકેટની રમતને પણ આ ઉજવણીનો ભાગ બનાવવા માટે આયોજન કરવાનું વિચારી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત અને બાકીના વિશ્વ વચ્ચે 22 ઓગસ્ટે ક્રિકેટ મેચનું આયોજન કરવા માટે સરકારે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ને પ્રસ્તાવ મોકલ્યો છે.


સૂત્રોએ સંકેત આપ્યો છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાનના ભાગરૂપે આ મેચ રમવા માટે ટોચના ભારતીય ખેલાડીઓ તેમજ વિદેશના લોકપ્રિય ક્રિકેટરોને સામેલ કરવા માટે BCCIના અધિકારીઓ સાથે BCCIના અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રસ્તાવ પર હજુ પણ ચર્ચા થઈ રહી છે કારણ કે, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ટીમ બનાવવા માટે સંકળાયેલા ઘણા બધા ઓપરેશનલ અને લોજિસ્ટિકલ પ્રશ્નો વિશે પણ વિચારવું જરુરી છે.


22 ઓગસ્ટે ઈન્ડિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવનની મેચનું આયોજનઃ
"ભારત vs દુનિયા"ની ક્રિકેટ મેચના આયોજન અંગે BCCIના એક સૂત્રએ જણાવ્યું કે, "અમને સરકાર તરફથી 22 ઓગસ્ટે ઈન્ડિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવાની દરખાસ્ત મળી છે. વિશ્વની ટીમ બનાવવા માટે, અમારે ઓછામાં ઓછા 13-14 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની જરૂર પડશે. આ ખેલાડીઓ મેચ માટે ઉપલબ્ધ રહી શકશે કે કેમ તેની તપાસ કરવી અમારા માટે જરુરી છે." તેમણે ઉમેર્યું કે, 22 ઓગસ્ટ દરમિયાન, અંગ્રેજી ડોમેસ્ટિક ક્રિકેટ પણ ચાલતી હશે અને કેરેબિયન પ્રીમિયર લીગ પણ શરૂ થશે. આ સાથે BCCI એ પણ તપાસ કરી રહ્યું છે કે, શું આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને તેમની રમત માટે નાણાકીય વળતર આપવું પડશે કે કેમ?


જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની આ મેચ માટેની ઉપલબ્ધતાનો સવાલ છે ત્યાં સુધી, BCCIના ટોચના અધિકારીઓ ICCની વાર્ષિક કોન્ફરન્સ જે 22 થી 26 જુલાઈ સુધી યોજાઈ રહી છે તેના માટે બર્મિંગહામમાં હશે, જ્યાં તેઓ અન્ય બોર્ડના અધિકારીઓ સાથે વાત કરી શકે છે કે તેઓ તેમના કેટલાક ખેલાડીઓને "ભારત vs દુનિયા"ની આ મેચ માટે પરવાનગી આપે છે.