Graham Thorpe Dies Suicide: ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન અને સરેના દિગ્ગજ ક્રિકેટર ગ્રાહમ થોર્પનું 5 ઓગસ્ટે નિધન થયું હતું. ગ્રાહમ થોર્પ મૃત્યુના 4 દિવસ પહેલાં 1 ઓગસ્ટે જ 55 વર્ષના થયા હતા. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. પરંતુ મૃત્યુના 7 દિવસ પછી તેમની પત્નીએ મોટો ખુલાસો કર્યો છે. થોર્પની પત્નીએ ખુલાસો કરતા જણાવ્યું કે થોર્પે પોતે જ પોતાનો જીવ લીધો હતો. થોર્પે મે 2022માં પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગ્રાહમ થોર્પની પત્ની અમાંડાએ ખુલાસો કરતા જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ડિપ્રેશન અને ચિંતાથી પીડિત હતા. તાજેતરના દિવસોમાં તેઓ ખૂબ બીમાર હતા અને તેમને ખરેખર લાગતું હતું કે તેમના વગર અમે વધુ સારા રહીશું અને અમે આ વાતથી ખૂબ દુઃખી છીએ કે તેમણે આવું કર્યું અને આત્મહત્યા કરી લીધી. અમે એક પરિવાર તરીકે તેમનું સમર્થન કર્યું અને તેમણે ઘણા ઉપચારોનો પ્રયાસ કર્યો, પરંતુ દુર્ભાગ્યે તેમાંથી કોઈ પણ ખરેખર કામ કરી રહ્યું ન હતું.
ગ્રાહમ થોર્પે ઇંગ્લેન્ડ માટે પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત વર્ષ 1993માં કરી હતી. આ દરમિયાન તેમણે ઇંગ્લેન્ડ માટે 100 ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે 6744 રન બનાવ્યા. ટેસ્ટમાં તેમણે 16 સદી અને 39 અર્ધસદી ફટકારી. આ ઉપરાંત થોર્પે ઇંગ્લેન્ડ માટે 82 વનડે મેચોમાં 21 અર્ધસદીના જોરે 2380 રન બનાવ્યા. થોર્પ ઇંગ્લિશ કાઉન્ટી ટીમના દિગ્ગજ હતા. તેમણે 341 પ્રથમ શ્રેણીની મેચોમાં 49 સદીની મદદથી 21937 રન બનાવ્યા હતા. સાથે જ લિસ્ટ એમાં તેમણે 10871 રન બનાવ્યા જેમાં તેમના બેટમાંથી 9 સદી નીકળી. થોર્પે પોતાની વ્યાવસાયિક કારકિર્દીમાં કુલ 58 સદી ફટકારી હતી.
ગ્રાહમ થોર્પે વર્ષ 2005માં પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે શરૂઆતમાં ન્યૂ સાઉથ વેલ્સ અને ઇંગ્લેન્ડ લાયન્સની ટીમો સાથે કોચ તરીકે કામ કર્યું. ત્યારબાદ 2013ની શરૂઆતમાં થોર્પ ઇંગ્લેન્ડની વનડે, ટી20 ટીમના બેટિંગ કોચ બન્યા હતા. ત્યારબાદ 2020માં પાકિસ્તાન સામેની ટી20 શ્રેણી દરમિયાન તેઓ ટીમના વચગાળાના કોચ બન્યા હતા. 2022માં તેમને અફઘાનિસ્તાનના હેડ કોચ બનાવવામાં આવ્યા, પરંતુ ત્યારે જ તેઓ એક ગંભીર બીમારીની ચપેટમાં આવી ગયા હતા.