વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની નવમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું હતું. દિલ્હીએ 106 રનનો ટાર્ગેટ માત્ર 7.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 105 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં દિલ્હીએ 7.1 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 107 રન બનાવી મેચ જીતી લીધી હતી.
શેફાલી વર્માએ 28 બોલમાં 76 રન ફટકારીને દિલ્હી કેપિટલ્સને ગુજરાત જાયન્ટ્સ સામે શાનદાર જીત અપાવી હતી. શેફાલીએ માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. શેફાલીનો સ્ટ્રાઈક રેટ 271.43 હતો. તેની સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલી કેપ્ટન મેગ લેનિંગ 15 બોલમાં 21 રન બનાવીને અણનમ રહી હતી. તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત જાયન્ટ્સની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. ઓપનિંગ બેટ્સમેન મેઘના ખાતું ખોલાવ્યા વિના ઇનિંગના બીજા બોલ પર પેવેલિયન પરત ફરી હતી. આ પછી સાથી ઓપનર વોલ્વાર્ડ પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શકી ન હતી અને તે પણ માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. બંને બેટ્સમેનોને દિલ્હીના બોલર મારિજેન કેપે આઉટ કર્યા હતા.
આ પછી ત્રીજા નંબરે આવેલી ઓલરાઉન્ડર હરલીન દેઓલે 4 ચોગ્ગા ફટકારીને 20 રન ઉમેર્યા હતા. આ સાથે જ ટીમની સ્ટાર બેટ્સમેન એશ્લે ગાર્ડનરે પણ ખાતું ખોલાવ્યા વગર જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પાંચમા નંબરે આવેલી દયાલન હેમલતા ચોથી ઓવરમાં શિખા પાંડેનો શિકાર બની હતી. હેમલતાએ તેના દાવમાં 1 ચોગ્ગાની મદદથી 5 રન બનાવ્યા હતા અને પછીની ઓવરમાં હરલીન દેઓલ મારિજાન કૈપના હાથે એલબીડબ્લ્યુ થઈ ગઈ હતી. છઠ્ઠા નંબરે આવેલી જ્યોર્જિયા વેરહેમે 22 રનની ઇનિંગ રમી હતી. કિમ ગાર્થ અને જ્યોર્જિયા વેરહેમે સાતમી વિકેટ માટે 33 રનની ભાગીદારી નોંધાવી હતી. નવમા નંબરે આવેલી તનુજા કંવર 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન સ્નેહા રાણા 2 રન અને માનસી જોશી 5 રન બનાવી અણનમ રહી હતી.