Gujarat Titans, IPL 2024: IPL 2024 પહેલા ગુજરાત ટાઇટન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વાસ્તવમાં ટીમના સ્ટાર ખેલાડી રોબિન મિંઝનો અકસ્માત થયો છે. IPL 2024 માટે મિની ઓક્શનમાં ગુજરાતે 3.6 કરોડ રૂપિયાની કિંમત ચૂકવીને રોબિનને ખરીદ્યો હતો. રોબિન IPLમાં વેચાયેલો પ્રથમ આદિવાસી ખેલાડી બન્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે સુપરબાઈકના કારણે અકસ્માત થયો હતો. તેમના પિતાએ 'ન્યૂઝ 18' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "તેમની બાઇક અન્ય બાઇક સાથે અથડાતા નિયંત્રણ ગુમાવ્યું હતું. હાલમાં તેને ગંભીર ઈજા નથી પહોંચી પરંતુ તે દેખરેખ હેઠળ છે." જોકે રોબિનની બાઇકને ભારે નુકસાન થયું હોવાનું કહેવાય છે, પરંતુ રોબિનને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
IPL 2024 પહેલા નવા ખેલાડીનો અકસ્માત ગુજરાત માટે મોટી સમસ્યા સાબિત થઈ શકે છે. ટીમે રોબિનને ખરીદવા માટે મોટી રકમ ખર્ચી હતી. આઈપીએલ શરૂ થવામાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. હવે જોવાનું એ રહે છે કે અકસ્માત બાદ રોબિનને તેની પ્રથમ સિઝન મળે છે કે નહીં.
તમને જણાવી દઈએ કે ઝારખંડ તરફથી રમતા વિકેટકીપર બેટ્સમેન રોબિન પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. 21 વર્ષનો રોબિન હજુ તેની કારકિર્દીની શરૂઆતમાં છે અને તેને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો.
પંત ગંભીર કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો, હજુ સુધી વાપસી નથી કરી
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ગંભીર કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. ડિસેમ્બર 2022માં પંતની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ પંત ક્રિકેટના મેદાનમાં પરત ફરી શક્યો નથી. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પંત IPL 2024 દ્વારા ક્રિકેટના મેદાનમાં પરત ફરશે. ઋષભ પંત દિલ્હીની ટીમનો કેપ્ટન છે. વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત વાપસી કરે છે કે નહી તે આગામી સમયમાં ખબર પડશે.