ind vs pak 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા મહામુકાબલામાં ગુજરાતી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મેચની શરૂઆત ધીમી રહી હોવા છતાં, ત્રણ ગુજરાતી બોલરોએ આક્રમક બોલિંગ કરીને પાકિસ્તાની ટીમને ઘૂંટણીયે પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાની જોડીએ પાકિસ્તાનના ટોચના બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

સમાચાર લખાયા ત્યાં સુધીમાં પાકિસ્તાને ૪૩ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૨૦૦ રન બનાવ્યા હતા. ખુશદીલ શાહ અને નસીમ શાહ ક્રિઝ પર હતા અને પાકિસ્તાની ટીમ સંઘર્ષ કરી રહી હતી. ભારતીય બોલરોએ મેચમાં એવી પકડ જમાવી હતી કે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના અને રોમાંચ જોવા મળ્યો હતો.

ભારતને પહેલી સફળતા હાર્દિક પંડ્યાએ અપાવી હતી. હાર્દિક પંડ્યાના બોલ પર વિકેટકીપર કેએલ રાહુલે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો કેચ પકડ્યો હતો. મોહમ્મદ શમી ઈજાના કારણે અધવચ્ચે સ્પેલ છોડીને મેદાનની બહાર જતા હાર્દિક પંડ્યાને બોલિંગમાં લાવવામાં આવ્યો હતો અને તેણે બાબર આઝમની મહત્વની વિકેટ ઝડપીને ઓપનિંગ ભાગીદારી તોડી હતી. આ પછી હાર્દિક પંડ્યાએ શકીલને પણ આઉટ કરીને પાકિસ્તાનને ત્રીજો ફટકો આપ્યો હતો.

સ્પિન બોલિંગમાં અક્ષર પટેલે કમાલ કરી હતી. તેણે પહેલા ઈમામ ઉલ હકને રન આઉટ કરીને પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂક્યું, અને ત્યાર બાદ ખતરનાક બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને ક્લીન બોલ્ડ કરીને પાકિસ્તાની બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. અક્ષર પટેલે ઇમામ ઉલ હક અને બાબર આઝમની ભાગીદારી તો તોડી પરંતુ સેટ થયેલા રિઝવાનને પણ બોલ્ડ કરીને ભારતીય ટીમને મેચમાં મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી.

રવિન્દ્ર જાડેજાએ પણ તરત જ વિકેટ લઈને પાકિસ્તાનને વધુ દબાણમાં લાવી દીધું હતું. પોતાની છઠ્ઠી ઓવરના પ્રથમ બોલ પર જ રવિન્દ્ર જાડેજાએ તાહિરને બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો હતો. ભારતીય ટીમે માત્ર ૧૫ રનમાં પાકિસ્તાનની ત્રણ મહત્વની વિકેટો ઝડપી પાડી હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે ૧૫૦ રન હતો, જે થોડા જ સમયમાં પાંચ વિકેટે ૧૬૫ રન થઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજાએ બોલિંગની સાથે ફિલ્ડિંગમાં પણ યોગદાન આપ્યું હતું અને સલમાન આગાનો શાનદાર કેચ પકડ્યો હતો.

આ પણ વાંચો....

ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી