Virat Kohli India vs South Africa: ભારતીય ટીમ આજે રવિવારે દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડકપની મેચમાં ટકરાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપ 2023ની 37મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. વિરાટ કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ હશે. કોહલી પોતાના જન્મદિવસના અવસર પર મેચ રમશે. તે 35 વર્ષનો થઈ ગયો છે. વિરાટે તેની કારકિર્દી દરમિયાન કેટલીય મેચ વિનિંગ ઇનિંગ્સ રમી ચૂક્યો છે. આ સાથે જ કેટલાય રેકોર્ડ પણ તેને બનાવ્યા છે. હવે આજે વિરાટને પોતાના જન્મદિવસ પર ઇતિહાસ રચવાની તક છે.


વાસ્તવમાં વિરાટે વનડે મેચોમાં 48 સદી ફટકારી ચૂક્યો છે. આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે સચિન તેંડુલકર સાથે બરાબરી પર પહોંચી શકે છે. કોહલીને આ માટે સદીની જરૂર છે. સચિને 49 વનડે સદી ફટકારી છે. જ્યારે વિરાટે 288 વનડે મેચમાં 48 સદી ફટકારી છે. કોહલી પોતાના જન્મદિવસ પર પ્રશંસકોને સદીની ભેટ આપી શકે છે, પરંતુ આ માટે તેઓએ સખત મહેનત કરવી પડશે. દક્ષિણ આફ્રિકાની ટીમ ફોર્મમાં છે અને તેના બૉલર્સ કોઈપણ કિંમતે કોહલી અને ટીમ ઈન્ડિયાને રોકવા ઈચ્છશે.






વિરાટે ભારત માટે કેટલીય યાદગાર ઇનિંગ્સ રમી છે. તેણે અત્યાર સુધી રમાયેલી 288 વનડે મેચોમાં 13535 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 48 સદી અને 70 અડધી સદી ફટકારી છે. કોહલીએ 111 ટેસ્ટ મેચમાં 8676 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 29 સદી અને 29 અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે 7 બેવડી સદી ફટકારી છે. વિરાટે 115 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 4008 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં એક સદી અને 37 અડધી સદી ફટકારી છે.