નવી દિલ્હીઃ છેલ્લા ચાર વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દુર રહેલા ભારતીય ક્રિકેટર હરભજન સિંહે દાવો કર્યો કે તે ટી20 મેચો રમવા માટે તૈયાર છે. હરભજન સિંહે હજુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ નથી લીધો, પણ વર્ષ 2016થી તે ભારતીય ટીમમાંથી દુર છે.

હરભજન સિંહે ભારત તરફથી વર્ષ 2016માં એક ટી20 મેચ રમી હતી, બાદમાં ભજ્જી માત્ર આઇપીએલમાં જ રમતો દેખાઇ રહ્યો છે, પણ ટીમ ઇન્ડિયામાં નહીં. વર્ષ 2018થી ભજ્જી ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી આઇપીએલ રમી રહ્યો છે.

ભજ્જીએ ઇન્ટરનેશનલ ટીમમા વાપસીને લઇને કહ્યું કે, હું તૈયાર છુ, જો હું આઇપીએલમાં બૉલિંગ કરી શકુ છું, તો વર્લ્ડ ક્રિકેટમાં પણ બૉલિંગ કરી શકુ છું. આઇપીએલમાં કેટલાય મોટા ખેલાડીઓ રમે છે. તેમની વિરુદ્ધ બૉલિંગ કરવી મુશ્કેલ બને છે. આવામાં મે પાવરપ્લેમાં બૉલિંગ કરી છે અને મને વિકેટો પણ મળી છે.



39 વર્ષીય ભજ્જી હાલ આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, તે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી છે, તેને 157 ઇનિંગ્સમાં કુલ 150 વિકેટ લીધી છે.

ભજ્જીનુ માનવુ છે કે સિલેક્ટરોને લાગે છે કે ભજ્જી હવે વૃદ્ધ થઇ ગયો છે, કેમકે હુ હવે ડૉમેસ્ટિક ક્રિકેટ નથી રમતો, પણ તેઓ મારા આઇપીએલનો રેકોર્ડ જોઇ શકે છે કે મારુ પ્રદર્શન કેવુ છે.