નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે આઈપીએલ અનિશ્ચિત મુદત સુધી ટાળી દેવામાં આવી છે. આ પહેલા તેની શરૂઆત 29 માર્ચે થવાની હતી, પરંતુ હવે ચાલુ વર્ષે આઈપીએલ રમાશે કે નહીં તે ઓસ્ટ્રેલિયન બોર્ડ અને આઈસીસીની મીટિંગ પર નિર્ભર કરે છે. જો ચાલુ વર્ષે વર્લ્ડકપ 2020નું આયોજન નહીં થાય તો આઈપીએલ રમાઈ શકે છે. પરંતુ જ્યાં સુધી કોઈ ફેંસલો ન આવી જાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને કહ્યું કે, જો આઈપીએલ ચાલુ વર્ષે રમાશે તો સૌથી બેસ્ટ હશે.

શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જલો મેથ્યૂઝ સાથે ઈન્સ્ટાગ્રામ પર વાત કરતાં કહ્યું, ચાલુ વર્ષે આઈપીએલ થશે તેવી આશા છે. હું હંમેશા સકારાત્મક વિચારું છું. જો ટુર્નામેન્ટ રમાશે તો ઘણુ સારું થશે. તમામની સુરક્ષા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ટુર્નામેન્ટ ઘણી સકારાત્મકતા લઈને આવે છે. હાલના માહોલમાં થોડી હળવાશ મળે તે માટે કેટલીક રમત શરૂ થાય તે મહત્વનું છે, જો આઈપીએલ રમાશે તો તેની મોટી અસર થશે.

ધવને કહ્યું, જો ટુર્નામેન્ટ ખાલી સ્ટેડિયમમાં રમાશે તો અમે દર્શકોને મિસ કરીશું. પ્રશંસકો અલગ જ માહોલ લઈને આવે છે. જ્યારે અમે વાપસી કરીશું ત્યારે દરેક પોતાની ટીમ તરફથી રમવા માટે આતુર હશે.

કોરોના વાયરસના કારણે ક્રિકેટ કેલેન્ડર થંભી ગયુ છે અને ખેલાડીઓ લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે.