નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સીનિયર ઓફ સ્પિનર હરભજન સિંહે વિમાન કંપની ઇન્ડિગોથી નારાજ છે કારણ કે આ કંપનીની એક ફ્લાઇટમાં શુક્રવારે તેના બેટની ચોરી થઇ ગઇ હતી. હરભજનસિંહે ટ્વિટર પર આ ઘટનાને જાહેર કરતા કંપનીને એક્શન લેવાની માંગ કરી છે. હરભજનસિંહના કિટ બેગમાંથી બેટ ગુમ થતાં તે ગુસ્સે ભરાયો હતો. તેણે કંપનીને કહ્યું કે, આ ચોરી છે અને તેના વિરુદ્ધ એક્શન લેવામાં આવવી જોઇએ.


હરભજનસિંહે ઇન્ડિગોને ટેગ કરતા ટ્વિટમાં લખ્યું કે, ગઇકાલે હું મુંબઇથી કોયમ્બટૂર માટે ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટ નંબર 6E 6313 માં પ્રવાસ કર્યો અને મારી કીટ બેગમાંથી એક બેટ ગુમ છે. હું ઇચ્છું છે કે તેના વિરુદ્ધ એક્શન લઇને ચોરને શોધવામાં આવે. કોઇના સામાનમાંથી કોઇ ચીજવસ્તુ ઉઠાવવી ચોરી છે. પ્લીઝ મદદ કરો.


આ ટ્વિટ બાદ ભજ્જીએ સીઆઇએસએફને પણ ટ્વિટ કર્યું હતું.સીઆઇએસએફ એરપોર્ટ્સ પર સુરક્ષાની જવાબદારી સંભાળે છે. હરભજનસિંહના ટ્વિટને ઇન્ડિગોએ જવાબ આપ્યો હતો અને આ મામલાની તપાસનો વિશ્વાસ અપાવ્યો હતો. ઇન્ડિગોએ ટ્વિટ કરી જણાવ્યું કે, શ્રીમાન સિંહ આ જાણીને દુખ થયું. અમે તપાસ કરીને જલદી તમારો સંપર્ક કરીશું.