Hardik Pandya Syed Mushtaq Ali Trophy: હાર્દિક પંડ્યાનું બેટ જોરદાર ચાલી રહ્યું છે. તેણે છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પંડ્યાએ ફરી એકવાર વિસ્ફોટક ઈનિંગ્સ રમીને બરોડાને જીત અપાવી છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં ત્રિપુરા સામે 47 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે કુલ 5 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. પંડ્યાની ઇનિંગના આધારે બરોડાએ માત્ર 11.2 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.


 






ત્રિપુરાએ આપેલા ટાર્ગેટનો પીછો કરી રહેલી બરોડાની ટીમ માટે હાર્દિક ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 23 બોલનો સામનો કરીને 47 રન બનાવ્યા હતા. પંડ્યાએ આ દરમિયાન 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. બરોડાની ઇનિંગ દરમિયાન પરવેઝ સુલતાન ત્રિપુરા માટે 10મી ઓવર ફેંકી રહ્યો હતો. પંડ્યાએ સુલ્તાનની ઓવરમાં ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી. તેણે આ ઓવરમાં 28 રન લીધા હતા.


પંડ્યાએ ગુજરાત અને તમિલનાડુ સામે પણ રન બનાવ્યા હતા


હાર્દિકે છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે બરોડા માટે છેલ્લી મેચ તામિલનાડુ સામે રમી હતી. પંડ્યાએ આ મેચમાં 69 રનની ઇનિંગ રમી હતી. તેણે ઉત્તરાખંડ સામે અણનમ 41 રન બનાવ્યા હતા. તેણે ગુજરાત સામે પણ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હાર્દિકે અણનમ 74 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે 1 વિકેટ પણ લીધી હતી.


બરોડાએ 11.2 ઓવરમાં મેચ જીતી લીધી 


ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ત્રિપુરાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 109 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન મનદીપ સિંહે અડધી સદી ફટકારી હતી. તેણે 40 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન બરોડા તરફથી બોલિંગ કરતી વખતે કેપ્ટન કૃણાલ પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે અભિમન્યુ સિંહે 3 વિકેટ લીધી હતી. જવાબમાં બરોડાએ 11.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. તે માટે પંડ્યાની સાથે મિતેશ પટેલે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 37 રન બનાવ્યા હતા.


આ પણ વાંચો...


VIDEO: લાઇવ મેચમાં ભારતના ક્રિકેટરનું હાર્ટ એટેકથી મોત, મેદાન પર ઢળી પડ્યો, ઘટના કેમેરામાં કેદ...