Team India World Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. તે ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હતો. પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંડ્યાનું સેમિફાઇનલમાંથી બહાર થવું ભારત માટે મોટો ફટકો છે. તે એક અનુભવી ખેલાડી છે અને તેણે ઘણી મોટી મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં રમાયેલી મેચ દરમિયાન પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો.


હાર્દિક પંડ્યાને ક્યારે થઈ હતી ઈજા


પુણેમાં રમાયેલી બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાને ઈજા થઈ હતી. તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ કારણોસર હાર્દિક ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામે રમ્યો ન હતો, તે ફીટ થઈ જાય તેવી આશા રાખવામાં આવતી હતી.  હાર્દિક બહાર થતાં તેના સ્થાને પ્રસિદ્ધ ક્રિષ્નાને ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેણે 7 મેચ રમી છે અને તમામ જીતી છે. તેના 14 પોઈન્ટ છે. મહત્વની વાત એ છે કે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. પરંતુ સેમિફાઇનલ પહેલા પંડ્યાનું બહાર થવું તેના માટે આંચકા સમાન છે. હાર્દિક એક અનુભવી ખેલાડી છે અને તેણે ICC ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે.


પ્રસિદ્ધ ક્રિષ્નાની કેવી છે કરિયર


ક્રિષ્ના પાસે હજુ આંતરરાષ્ટ્રીય મેચોનો વધુ અનુભવ નથી. પરંતુ તેણે ઘણા પ્રસંગોએ સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 17 ODI મેચ રમી છે અને આ દરમિયાન તેણે 29 વિકેટ લીધી છે. વનડે મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. તેણે 2 આંતરરાષ્ટ્રીય મેચમાં 4 વિકેટ લીધી છે.


ભારતે હજુ બે મેચ રમવાની છે બાકી


સેમીફાઈનલ પહેલા ભારતને હજુ બે મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. આ મેચ 5 નવેમ્બરે કોલકાતામાં રમાશે. આ પછી 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે મેચ રમાશે.