ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે રમવામાં વ્યસ્ત છે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની શ્રેણી રમી રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ભારતે ત્રણ ટી20 સીરીઝ માટે આયરલેન્ડ જવાનું છે. ભારતીય ટીમે પાંચ દિવસમાં આયરલેન્ડ સામે ત્રણ T20 મેચ (18, 20 અને 23 ઓગસ્ટ) રમવાની છે. આ ત્રણેય મેચ ડબલિનમાં રમાશે.


શુભમન ગિલને પણ આરામ મળશે


આયરલેન્ડ પ્રવાસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત આયરલેન્ડના પ્રવાસ પર યુવા ખેલાડીઓથી સજ્જ ટીમ મોકલી શકે છે. ત્રણેય ફોર્મેટમાં રમતા હાર્દિક પંડ્યા અને શુભમન ગિલને આયરલેન્ડ પ્રવાસ માટે આરામ મળી શકે છે, જેથી વર્લ્ડકપ અને એશિયા કપને ધ્યાનમાં રાખીને તેમના વર્કલોડને નિયંત્રિત કરી શકાય છે.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે 'હજી સુધી કંઈ નક્કી થયું નથી અને તે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે અને ટી-20 સીરિઝ બાદ હાર્દિક કેવું અનુભવે છે તેના પર પણ નિર્ભર રહેશે. આમાં ઘણી મુસાફરી કરવી પડશે અને ફ્લોરિડાથી ડબલિનની મુસાફરી પહેલા માત્ર ત્રણ દિવસ છે.


હાર્દિક પંડ્યા ભારતની ODI ટીમનો મહત્વનો ભાગ છે અને ઓલરાઉન્ડર હોવાના કારણે ટીમને સંતુલન મળે છે. ટીમ મેનેજમેન્ટ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ તેના વિશે સાવચેત રહેવા માંગે છે. તેમણે કહ્યું હતું કે 'ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વર્કલોડ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે વર્લ્ડ કપમાં ટીમનો વાઈસ કેપ્ટન પણ બનવા જઈ રહ્યો છે.


સૂર્યકુમાર ટી20 ટીમની કેપ્ટનશીપ કરી શકે છે


હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમની કેપ્ટનશિપની તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન પણ બનવા જઈ રહ્યો છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓને આયરલેન્ડ પ્રવાસ માટે આરામ આપવામાં આવશે.


મુખ્ય કોચ દ્રવિડને પણ આરામ મળશે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિયમિત મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને તેના સાથી સપોર્ટ સ્ટાફ વિક્રમ રાઠોડ (બેટિંગ કોચ), પારસ મ્હામ્બ્રે (બોલિંગ કોચ)ને પણ આયરલેન્ડ પ્રવાસ માટે આરામ આપવામાં આવશે. આવી સ્થિતિમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા વીવીએસ લક્ષ્મણ આયરલેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમના મુખ્ય કોચ હશે.


આયરલેન્ડ પ્રવાસ પર સિતાંશુ કોટક અને હૃષીકેશ કાનિટકરમાંથી કોઈ એકને બેટિંગ કોચની જવાબદારી મળી શકે છે. સાઈરાજ બહુતુલે અને ટ્રોઇ કુલીમાંથી કોઈ એક બોલિંગ કોચની ભૂમિકા ભજવી શકે છે.