Rohit Sharma Retirement: ભારતને 2024 ટી20 વર્લ્ડકપ ટાઇટલ જીતવામાં મદદ કર્યા પછી, રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની ઉંમરને ધ્યાનમાં રાખીને એવી અટકળો છે કે તે 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દેશે. જો કે, આ દરમિયાન હિટમેને પોતે તેની નિવૃત્તિની યોજનાઓ જાહેર કરી છે.


નોંધનીય છે કે BCCI સેક્રેટરી જય શાહે થોડા દિવસો પહેલા સ્પષ્ટ કર્યું હતું કે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (જો ભારત પહોંચે છે) અને ICC 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ ટીમ ઈન્ડિયા માત્ર રોહિત શર્માની કેપ્ટનશીપમાં જ રમશે. જોકે, જય શાહે 2027 ODI વર્લ્ડકપ વિશે વાત કરી ન હતી. આવી સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે હિટમેન 2025 ચેમ્પિયન્સ ટ્રોફી સુધી જ ODI ફોર્મેટ રમશે. જો કે, હવે રોહિતે પોતે જ તમામ મૂંઝવણો દૂર કરી દીધી છે.


14 જુલાઈના રોજ ડલાસમાં આયોજિત એક ઈવેન્ટમાં જ્યારે રોહિત શર્માને ODI અને ટેસ્ટમાંથી નિવૃત્તિ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે હિટમેને કહ્યું કે તે બહુ આગળનું વિચારતો નથી, પરંતુ અત્યારે પ્રશંસકો તેને ઘણું રમતા જોશે. તેણે એમ પણ કહ્યું કે તેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. કાર્યક્રમમાં હાજર ચાહકોએ રોહિતના જવાબને વધાવી લીધો હતો.






દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમ બની વર્લ્ડ ચેમ્પિયન 
2021 ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCIએ રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો હતો. રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 2022 ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં હારી ગઈ હતી. જોકે, હિટમેને 2024ના ટી20 વર્લ્ડકપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતે 13 વર્ષ બાદ ICCનો ખિતાબ જીત્યો. ટીમ ઈન્ડિયાએ બીજી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે.