IND vs HK: UAEમાં ચાલી રહેલા એશિયા કપમાં બુધવારે ભારતનો મુકાબલો હોંગકોંગ સાથે થયો હતો. ભારતે આ મેચ 40 રને જીતી લીધી હતી. આ જીત સાથે ભારતીય ટીમ એશિયા કપના સુપર-4માં પહોંચી ગઈ છે. આ મેચમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ 44 બોલમાં 59 રન અને સૂર્યકુમાર યાદવે 68 રનની તોફાની અડધી સદી રમી હતી. આ મેચ સમાપ્ત થયા પછી, હોંગકોંગના ખેલાડીઓ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા અને ત્યાં ભારતીય ખેલાડીઓ સાથે તસવીરો ક્લિક કરી હતી.
હોંગકોંગના ખેલાડીઓ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યાઃ
એશિયા કપમાં ભારત સામેની મેચ 40 રને હાર્યા બાદ હોંગકોંગની ટીમના ખેલાડીઓ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં તેણે તેના મનપસંદ ખેલાડીઓના ફોટા ક્લિક કર્યા અને તેમના ઓટોગ્રાફ લીધા. હોંગકોંગની ટીમનો ભારતીય ડ્રેસિંગ રૂમમાં આવવાનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં હોંગકોંગના ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હોંગકોંગની ટીમમાં ભારત અને પાકિસ્તાન મૂળના ખેલાડીઓની સંખ્યા વધારે છે.
હોંગકોંગની ટીમે વિરાટને ખાસ ભેટ આપી
હોંગકોંગની ટીમે વિરાટ કોહલીને એક ખાસ ભેટ આપી છે. તેમણે વિરાટ કોહલીને જર્સી આપી છે. આના પર વિરાટ માટે એક ખાસ સંદેશ પણ લખવામાં આવ્યો છે. ટીમ હોંગકોંગ વતી હોંગકોંગ ટીમના વિકેટકીપર સ્કોટ મેકકિનીની જર્સી પર લખ્યું છે, 'આખી પેઢીને પ્રેરણા આપવા બદલ વિરાટનો આભાર. અમે તમારી સાથે ઉભા છીએ. હજુ ઘણા અતુલનિય દિવસો આવવાના છે. તાકાત અને પ્રેમ સાથે...ટીમ હોંગકોંગ'. વિરાટને આ ભેટ મળી, કે તરત જ તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. તેણે આ ખાસ ભેટ માટે હોંગકોંગ ક્રિકેટનો પણ આભાર માન્યો હતો.