Afghanistan Cricket Board: પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઉમર ગુલને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના નવા બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.  અફઘાનિસ્તાનના ઝિમ્બાબ્વે પ્રવાસથી ઉમર ગુલ ટીમ સાથે જોડાઇ જશે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના નવા બોલિંગ કોચ તરીકે ઉમર ગુલનો કરાર 2022 ના અંત સુધી રહેશે. ગુલને કોચિંગમાં લગભગ 1 વર્ષનો અનુભવ છે.




પાકિસ્તાન સુપર લીગની ટીમ ક્વેટા ગ્લેડીયેટર્સે ઉમર ગુલને પોતાની ટીમનો કોચ બનાવ્યો હતો. તેને ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકના સ્થાને કોચ બનાવાયો હતો. આ વર્ષની શરૂઆતમાં ગુલને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા યુએઈમાં ટ્રેનિગ કેમ્પ દરમિયાન બોલિંગ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.


ગ્રેહામ થોર્પે મુખ્ય કોચ તરીકે લાન્સ ક્લુસનરનું સ્થાન લેશે


અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે  પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર ઉમર ગુલે અમારી રાષ્ટ્રીય લાઇન-અપમાં સામેલ ફાસ્ટ બોલરો સાથે કામ કર્યું હતું. અમારા ખેલાડીઓને ગુલ સાથે કામ કરવાનો અદ્ભુત અનુભવ હતો. જે બાદ અમે તેને રાષ્ટ્રીય ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ, ગ્રેહામ થોર્પને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે લાન્સ ક્લુસનરના સ્થાન પર પસંદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ઝડપી બોલર ઉમર ગુલ મુખ્ય કોચ ગ્રેહામ થોર્પે સાથે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે કામ કરશે.


અફઘાનિસ્તાનની ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસમાં ત્રણ વનડે રમશે. આ સિવાય 3 T20 મેચોની સિરીઝ રમાશે. વર્લ્ડ કપ સુપર લીગ હેઠળ રમાતી આ તમામ મેચો 4 થી 14 જૂન દરમિયાન હરારેમાં રમાશે. ઉલ્લેખનીય છે કે ઉમર ગુલે પાકિસ્તાન તરફથી 47 ટેસ્ટ મેચ રમી છે. તે સિવાય 130 વન-ડે અને 60 ટી-20 મેચ રમી છે. ગુલના નામે ટેસ્ટમાં 163, વનડેમાં 179 અને T20 85 વિકેટ છે. તેણે વર્ષ 2020માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.