ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા ક્રિકેટને લઈને મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં, ICCએ મહિલા ચેમ્પિયનશિપમાં ટીમોની સંખ્યા આઠથી વધારીને દસ કરી દીધી છે. આ ચેમ્પિયનશિપની ત્રીજી સિઝન 1 જૂનથી શરૂ થનારી શ્રીલંકા-પાકિસ્તાન શ્રેણી સાથે શરૂ થવાની છે. આ બે નવી ટીમો બાંગ્લાદેશ અને આયર્લેન્ડ છે, જે ICC રેન્કિંગમાં નવમા અને દસમા ક્રમે છે. આ ચેમ્પિયનશિપ દ્વારા, ટીમો ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે ક્વોલિફાય થાય છે.


2022-25ની આ સીઝન દરમિયાન 10 ટીમો ત્રણ મેચની આઠ સીરીઝ રમશે. જેમાં ચાર સ્થાનિક અને ચાર વિદેશી શ્રેણીનો સમાવેશ થાય છે. વર્લ્ડ કપની યજમાની કરી રહેલા દેશો અને ટોચની પાંચ ટીમોને ક્રિકેટ વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે. બાકીની ટીમોને ક્વોલિફાયર મેચો દ્વારા આમાં સામેલ કરવામાં આવશે.


પાંચ ટીમોને ODIનો દરજ્જો ICCએ ક્રિકેટ વર્લ્ડ કપ લાયકાતના આધારે પાંચ એસોસિએટેડ મહિલા ટીમો, નેધરલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, સ્કોટલેન્ડ, થાઈલેન્ડ અને યુનાઈટેડ સ્ટેટ્સ અમેરિકાને ODIનો દરજ્જો આપ્યો છે. હવે આ ટીમોનું વનડેમાં પ્રદર્શન તેમની રેન્કિંગ નક્કી કરશે.


આ અંગે માહિતી આપતા ICCના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જ્યોફ એલાર્ડિસે કહ્યું કે, 'આ નિર્ણયો ICC બોર્ડ દ્વારા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વૈશ્વિક વિકાસ રણનીતિના આધારે લેવામાં આવ્યા છે. ICC મહિલા ચેમ્પિયનશિપમાં ટીમોની સંખ્યા વધારવાથી અને 5 વધારાની ટીમોને ODIનો દરજ્જો આપવાથી આપણને મહિલા ક્રિકેટના વિકાસમાં મદદ મળશે.


થાઈલેન્ડનું શાનદાર પ્રદર્શનઃ
પાંચ નવા ODI દેશોમાંના એક થાઈલેન્ડે તાજેતરના વર્ષોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. થાઈલેન્ડની ટીમ મહિલા ટી20 વર્લ્ડ કપ 2020 માટે ક્વોલિફાય કરવામાં પણ સફળ રહી હતી. થાઈલેન્ડના મુખ્ય કોચ હર્ષલ પાઠકે આ વર્ષની શરૂઆતમાં એક ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે, 'અમને આક્રમક વલણ સાથે ક્રિકેટ રમવું ગમે છે, પછી તે બેટિંગ, બોલિંગ કે ફિલ્ડિંગ હોય. છોકરીઓ પોતાની એક ઓળખ બનાવવા માંગે છે.