ICC Cricket World Cup 2023: આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થઇ ગયો છે, અને આવતીકાલે બે મોટી ટીમો આમને સામને ટકરશે, એકબાજુ યજમાન ટીમ ભારત હશે તો બીજીબાજુ સૌથી વધુ વર્લ્ડકપ જીતનારી ઓસ્ટ્રેલિયા. આ ભારતની પ્રથમ વર્લ્ડકપ મેચ હશે, જે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાશે. હવે આ મેચ શરૂ થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. મેચ પહેલા અહીં અમે તમને મેચ માટેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પીચ રિપોર્ટ અને હવામાન અંગે માહિતી આપી રહ્યાં છીએ.... 


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ વર્લ્ડકપની પાંચમી મેચ હશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે ફોર્મેટમાં કુલ 149 મેચો રમાઈ છે, જેમાંથી ભારતે 56 અને ઓસ્ટ્રેલિયાએ 83 વનડે મેચ જીતી છે, જ્યારે 10 મેચોમાં કોઈ પરિણામ આવ્યું નથી.


મેચ પ્રિડિક્શન 
આ ઉપરાંત આ બંને ટીમો વનડે વર્લ્ડકપમાં કુલ 12 વખત સામસામે આવી ચૂકી છે, જેમાંથી ઓસ્ટ્રેલિયા 8 વખત જીત્યું છે અને ભારત માત્ર 4 વખત જીત્યું છે. વળી, ચેન્નાઈના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 2 અને ભારત માત્ર 1 મેચ જીત્યું છે. આ રેકોર્ડ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર છે, પરંતુ બંને ટીમો આ વર્લ્ડકપમાં વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બંને વચ્ચે કડક સ્પર્ધાની અપેક્ષા છે.


ચેન્નાઈની પીચ હંમેશા સ્પિનરો માટે મદદરૂપ હોય છે. આને સામાન્ય રીતે સ્પિન ટ્રેક કહેવામાં આવે છે, જોકે, બેટ્સમેનોને પણ રન બનાવવાની તક હોય છે. આ પીચ શુષ્ક છે અને જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ ધીમી થતી જાય છે. જેના કારણે આ પીચ પર પાછળથી બેટિંગ કરવી મુશ્કેલ છે. ટીમ ટૉસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરે છે.


હવામાન રિપોર્ટ 
આ મેચ દરમિયાન ચેન્નાઈમાં હવામાન સ્વચ્છ રહેવાની આશા છે. અહીં સરેરાશ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે ભેજ 71 ટકા સુધી રહેશે. પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે, જ્યારે વરસાદની આગાહી 50% છે.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - 
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.


ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - 
ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, કેમેરૂન ગ્રીન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, સીન એબૉટ, એડમ ઝમ્પા.