Next Cricket World Cup: વર્લ્ડકપ 2023ની ફાઇનલ પુરી થઇ ગઇ છે, વનડે ક્રિકેટને નવું ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના રૂપમાં મળી ગયુ છે. ફાઇનલમાં પહોંચ્યા બાદ ટીમ ઇન્ડિયા અહીં ટ્રૉફી ઉપાડવાનું ચૂકી ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ ચાહકોએ ટીમ ઈન્ડિયાના હાથમાં વર્લ્ડકપની ટ્રોફી જોવા માટે વધુ ચાર વર્ષ રાહ જોવી પડશે. ODI ક્રિકેટમાં આગામી વર્લ્ડકપ હવે વર્ષ 2027માં રમાવવાનો છે. આ વર્લ્ડકપની યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરી રહ્યા છે. ત્રણેય દેશો સાથે મળીને આગામી વર્લ્ડકપની યજમાની કરશે.


આ બીજી વખત બનશે જ્યારે આફ્રિકન ખંડમાં વર્લ્ડકપ રમાશે. આ પહેલા વર્લ્ડકપ 2003નું પણ આફ્રિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી કેન્યાએ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સાથે વિશ્વકપની મેચોની યજમાની કરી. તે વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયા હતા પરંતુ કેન્યા સેમિફાઈનલમાં પહોંચી હતી. કેન્યાને સેમિફાઇનલમાં ભારતીય ટીમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.


20 વર્ષ પહેલા આફ્રિકામાં આયોજિત આ વર્લ્ડકપ ટીમ ઈન્ડિયા માટે યાદગાર રહ્યો હતો. ભારતીય ટીમ 1983 બાદ પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી. જો કે તે પછી પણ ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.


આ દેશોનું ક્વૉલિફિકેશન પાક્કુ 
યજમાન હોવાને કારણે, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વર્લ્ડકપ 2027 રમશે તે નક્કી છે પરંતુ નામિબિયા સાથે આવું થશે નહીં. તેણે આગામી કેટલાક વર્ષોમાં તેના પ્રદર્શનના આધારે પોતાનું સ્થાન બનાવવું પડશે. નામિબિયાની વર્લ્ડકપમાં પ્રવેશની ફૉર્મ્યૂલા અન્ય ટીમોની જેમ જ રહેશે.


કેટલી ટીમો લેશે ભાગ અને કઇ રીતે મળશે એન્ટ્રી ?
આગામી વર્લ્ડકપમાં 14 ટીમો ભાગ લેશે. આમાંથી બે ટીમો પહેલેથી જ નક્કી છે. આ પછી, ICC ODI રેન્કિંગમાં ટોચની 8 ટીમોને વર્લ્ડકપ પહેલા એક નિશ્ચિત સમય મર્યાદા માટે સીધી વર્લ્ડકપની ટિકિટ મળશે. બાકીની ચાર ટીમો ક્વૉલિફાયર મેચો દ્વારા ક્રિકેટની આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરી શકશે.


શું હશે ફૉર્મેટ ?
વર્લ્ડકપ 2027માં દરેક 7 ટીમોના બે ગ્રુપ હશે. અહીં રાઉન્ડ રોબિન તબક્કા પછી બંને ગૃપમાંથી ટોચની 3 ટીમો આગળના તબક્કામાં જશે, એટલે કે બીજા રાઉન્ડમાં 6 ટીમો હશે. એક ગ્રુપની ટીમ બીજા ગ્રુપની તમામ ટીમો સામે એક-એક મેચ રમશે. આ રીતે દરેક ટીમ આ રાઉન્ડમાં 3 મેચ રમશે. આ તબક્કામાં બે ટીમો બહાર થઈ જશે અને પછી સેમિફાઈનલ મેચ રમાશે.