લંડનઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ક્રિકેટ વર્લ્ડકપ સુપર લીગની જાહેરાત કરવામાં આવી છે. જેની શરૂઆત ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે 30 જુલાઈથી રમાનારી વન ડે સીરિઝથી થશે. આ લીગ દ્વારા 203માં ભારત રમાનારા વર્લ્ડકપ માટે ટીમો ક્વોલીફાય કરશે.

આઈસીસી રેંકિંગની 12 ટીમો ઉપરાંત નેધરલેન્ડની ટીમ પણ લીગનો હિસ્સો બનશે. નેધરલેન્ડે 2015-17માં રમાયેલી વર્લ્ડકપ ક્રિકેટ લીગ પોતાના નામે કરી હતી. યજમાન ઈન્ડિયા ઉપરાંત લીગમાં ટોપ 7 રહેનારી ટીમો 2023ના વર્લ્ડકપમાં સીધુ સ્થાન મેળવશે.



સમગ્ર લીગ દરમિયાન એક ટીમને 8 સીરિઝ રમી પડશે. દરેક ટીમ ચાર સીરિઝ ઘરઆંગણે અને ચાર સીરિઝ વિદેશમાં રમશે. એક મેચ જીતવા પર ટીમને 10 પોઇન્ટ મળશે. જો મેચનું પરિણામ ન આવે કે ટાઈ પડે તો બંને ટીમને પાંચ-પાંચ પોઇન્ટ આપવામાં આવશે.



જે ટીમ નીચેના પાંચ ક્રમે રહેશે તેમને વર્લ્ડકપ માટે ક્વોલીફાય કરવાનો વધુ એક મોકો અપાશે. આ પાંચ ટીમો વચ્ચે બે સ્થાનને લઈ ટક્કર થશે. ક્વોલીફાયર  પ્લે ઓફ માટે આ ટીમોને વર્લ્ડકપમાં સામેલ કરવાની રેસમાં ટકી રહેવાનો મોકો અપાશે.

વર્લ્ડકપ સુપર લીગની શરૂઆત મે 2020માં થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે લીગ 30 જુલાઈથી શરૂ થશે.