નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય દિગ્ગજ અને સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે બીસીસીઆઇ પર મોટો આરોપ લગાવ્યો છે. યુવરાજે પોતાની કેરિયરના અંત પાછળ બીસીસીઆઇને જવાબદાર ગણાવ્યુ છે, તેને કહ્યું કે બીસીસીઆઇએ મારી કેરિયરના અંત સમયે યોગ્ય રીતે વ્યવહાર ન હતો કર્યો.

ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાનો એવો એકમાત્ર ઓલરાઉન્ડર છે, જેને ભારતે જીતેલા બન્ને વર્લ્ડકપમાં બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગથી કમાલની ભૂમિકા નિભાવી હતી. યુવરાજ સિંહે વર્ષ 2007 અને 2011ના વર્લ્ડકપમાં એક ઓલરાઉન્ડર તરીકેની મહત્વની ભૂમિકા નિભાવી હતી.

યુવરાજે કહ્યું કે, મારી ક્રિકેટર કેરિયરના અંતમાં મારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. તે ખુબ દુઃખદ હતો. હું જોઉ છું કે તે મહાન ખેલાડીઓ હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, ઝહીર ખાન સાથે પણ યોગ્ય વ્યવહાર નથી થયો. યુવરાજે આ બધુ બોર્ડના વલણને જવાબદાર ગણાવ્યુ છે. તેને કહ્યું જે દેશ માટે રમ્યો હોય, ખરાબ સ્થિતિમાં રમ્યો હોય અને સારી રીતે રમ્યો હોત તે સન્માનને યોગ્ય છે.



યુવરાજે કહ્યું કે ગૌતમ ગંભીર જેને આપણા બે વર્લ્ડકપ જીત્યા, સહેવાગ જે ટેસ્ટમાં સુનિલ ગાવસ્કર બાદ સૌથી મોટો મેચ વિનર ખેલાડી રહ્યો છે, વીવીએસ લક્ષ્મણ, ઝહીર ખાન વગેરે ખેલાડીઓને સન્માન મળવુ જોઇએ.

યુવરાજે વર્ષ 2019માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. યુવરાજના પોતાની કેરિયરનો અંત કરવા માટે વિદાય મેચ પણ રમવા નહતી મળી.