ICC Men's T20 World Cup New York: ભારત અને પાકિસ્તાન વચ્ચે બૉર્ડર પર વિવાદ અને લડાઇ વર્ષો જુની છે, પરંતુ હવે ક્રિકેટના મેદાનમાં પણ જુસ્સા સાથે લડાઇ કરતી જોવા મળે છે. હાલમાં જ એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને જબરદસ્ત રીતે હરાવ્યુ છે, હવે આ લડાઇ આગળ વધી છે. ICC ટી20 વર્લ્ડકપ જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સહ-આયોજિત કરવામાં આવશે. આ વખતે ટી20 વર્લ્ડકપ પહેલા કરતા વધુ મોટો હશે કારણ કે તેમાં કુલ 20 ટીમો રમતી જોવા મળશે. દરેકની નજર ભારત-પાકિસ્તાન મેચના ઓફિશિયલ કાર્યક્રમ અને સ્થળ પર ટકેલી છે. Cricbuzz અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ન્યૂયોર્કથી 30 માઈલ દૂર સ્થિત સ્ટેડિયમમાં રમાશે.


ભારત અને પાકિસ્તાનની ટીમો પહેલીવાર અમેરિકામાં એકબીજા સામે રમતા જોવા મળશે. ન્યૂયોર્કના આ સ્ટેડિયમની ક્ષમતા 34,000 દર્શકોની છે. આવામાં ત્યાં રહેતી બંને ક્રિકેટ ટીમોના ચાહકો માટે આ ICC તરફથી એક મોટી ભેટ પણ ગણી શકાય. થોડા મહિના પહેલા અમેરિકામાં મેજર લીગ T20નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ચાહકો મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા.


વર્ષ 2022માં ટી20 વર્લ્ડકપમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો છેલ્લી વખત ટકરાયા હતા ત્યારે વિરાટ કોહલીના બેટથી યાદગાર મેચવિનિંગ ઇનિંગ જોવા મળી હતી. વર્ષ 2024માં યોજાનાર ટી20 વર્લ્ડકપમાં 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે, જેમાં ટોપ-2 ટીમ સુપર-8 માટે ક્વૉલિફાય થશે. આ પછી સુપર-8માં 4 ટીમોના 2 ગ્રૂપ હશે અને ટોપ-2 ટીમ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવશે.


વનડે વર્લ્ડકપમાં 14 ઓક્ટોબરે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર - 
હાલમાં તમામનું ધ્યાન આગામી વનડે વર્લ્ડકપ પર છે અને 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચને લઈને ચાહકોના પાગલપનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મેચની તમામ ટિકિટો માત્ર થોડી જ સેકન્ડોમાં વેચાઈ ગઈ હતી.


 


2024ના ટી20 વર્લ્ડકપની તારીખો આવી સામે


ક્રિકેટની દુનિયામાં મહાકુંભ એટલે કે વર્લ્ડકપની શરૂઆત આગામી થોડાક મહિનાઓમાં જ થવાની છે, પરંતુ આ પહેલા આઇસીસી દ્વારા નેકસ્ટ 2024ના ટી20 વર્લ્ડકપને લઇને તૈયારીઓ શરૂ કરાઇ છે. ખાસ વાત છે કે, આગામી 2023 વનડે વર્લ્ડકપ ભારતમાં 5 ઓક્ટોબરથી રમાવવાનો છે. આ દરમિયાન ટી20 વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આઈસીસી ટૂર્નામેન્ટ યોજાવાની છે. 4 થી 30 જૂન દરમિયાન મેચ રમાઇ શકે છે. આમાં પ્રથમવાર 20 ટીમોને રમવાનો મોકો મળશે. અત્યાર સુધીમાં 15 ટીમોએ વર્લ્ડકપમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. પ્રથમ વખત ICC ટૂર્નામેન્ટ અમેરિકામાં યોજાવા જઈ રહી છે. અમેરિકાની ટીમ પ્રથમ વખત વર્લ્ડકપમાં પણ ઉતરશે. ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર, 4 થી 30 જૂન સુધી ટી20 વર્લ્ડકપની મેચો રમાઈ શકે છે. આ મેચો વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાના 10 સ્થળો પર રમાવવાની છે. અમેરિકાની વાત કરીએ તો ટૂર્નામેન્ટ માટે ફ્લૉરિડા, મૉરિસવિલે, ડલ્લાસ અને ન્યૂયોર્કને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આઈસીસીની ટીમ ટૂંક સમયમાં અહીંની મુલાકાતે જવાની છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજી તૈયાર નથી. આવામાં વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં શિફ્ટ થઈ શકે છે.


5-5 ટીમોનું 4 ગૃપ - 
ટૂર્નામેન્ટ વિશે વાત કરીએ તો 20 ટીમોને 5 ટીમોના 4 જૂથોમાં વહેંચવામાં આવશે. ગ્રુપ રાઉન્ડ બાદ ચાર ગ્રુપની ટોપ-2 ટીમો સુપર-8માં જશે. સુપર-8માં પણ 4-4 ટીમોના 2 ગ્રુપ બનાવવામાં આવશે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સેમી ફાઇનલમાં જશે. આવામાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે. ICC 2024 થી 2031 વચ્ચે 8 વૈશ્વિક ઈવેન્ટ્સનું આયોજન કરશે. ટી20 વર્લ્ડકપ આ એડિશનમાં પ્રથમ મેગા ઈવેન્ટ હશે.


યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા ઉપરાંત ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને પાપુઆ ન્યૂ ગીની અત્યાર સુધીમાં ટી20 વર્લ્ડકપ માટે ક્વૉલિફાય થયા છે. અમેરિકાના ક્વૉલિફાયર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાશે. અહીંથી 2 ટીમોને ટિકિટ મળશે. બીજીબાજુ ઓક્ટોબર-નવેમ્બરમાં એશિયા ક્વૉલિફાયરમાંથી 2 ટીમો જ્યારે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનાર આફ્રિકા ક્વૉલિફાયરમાંથી એક ટીમનું વર્લ્ડકપ રમવાનું સપનું પૂરું થશે.




 



આ ખેલાડીઓ આગામી ટી20 વર્લ્ડકપ (2024)માંથી થઇ શકે છે બહાર - 
બીસીસીઆઇએ 2024માં રમાનાર ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને મોટો ફેંસલો લીધો છે, બૉર્ડ તરફથી કહેવામા આવ્યુ છે કે, રવિચંદ્નન અશ્વિન, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક, ભુવનેશ્વરકુમાર, આગામી વર્લ્ડકપ યોજનામાંથી પુરેપુરી રીતે બહાર છે. આ ઉપરાંત આ લિસ્ટમાં કેપ્ટન રોહિત શર્માનું પણ નામ જોડવામાં આવ્યુ છે. જોકે, વિરાટ કોહલીનુ નામ આ લિસ્ટમાં સામેલ નથી.