First ICC Men's T20 World Cup: T20 વર્લ્ડકપની 9મી એડિશન 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં શરૂ થઈ રહી છે, જેમાં 20 ટીમો એકબીજાની આમને સામને ટકરાશે. T20 વર્લ્ડકપ 2024માં આ 20 ટીમોમાં 10 મોટી ટીમો અને 10 નાની ટીમો સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે રોમાંચ અને ઝડપથી ભરેલી આ ટૂર્નામેન્ટ ક્યારે અને ક્યાં શરૂ થઈ ? પ્રથમ T20 વર્લ્ડકપ વિજેતા કોણ છે ? જાણો અહીં બધું....


પહેલો ટી20 વર્લ્ડકપ ક્યારે અને ક્યાં રમાયો હતો ? 
પ્રથમ T20 વર્લ્ડકપ 13 દિવસ માટે રમાયો હતો. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 11 સપ્ટેમ્બર 2007ના રોજ રમાઈ હતી. આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકાના ત્રણ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, પહેલું કેપટાઉનનું ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ હતું જેની ક્ષમતા 22 હજાર દર્શકોની હતી, બીજું ડરબનનું કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમ હતું જેની ક્ષમતા 25 હજાર પ્રેક્ષકોની હતી અને ત્રીજું જોહાનિસબર્ગનું વાન્ડરર્સ સ્ટેડિયમ હતું જેની ક્ષમતા 34 હજાર દર્શકોની હતી. .


કયા કયા દેશોએ રમ્યો હતો પહેલો ટી20 વર્લ્ડકપ ?
13 દિવસ સુધી ચાલનારા પ્રથમ T20 વર્લ્ડકપમાં 12 દેશો વચ્ચે મેચ રમાઈ હતી. તેમાં 10 મોટી ટીમો સામેલ હતી જેણે ટેસ્ટ મેચ રમી હતી. આ સિવાય બે નાની ટીમો પણ આ પહેલા T20 વર્લ્ડકપમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે. આ ટૂર્નામેન્ટમાં મોટી ક્રિકેટ ટીમો ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે તેમજ કેન્યા અને સ્કૉટલેન્ડ જેવી નવી ઉભરતી ટીમોનો સમાવેશ થાય છે.


પહેલો ટી20 વર્લ્ડકપ કોણે જીત્યો ? 
T20 વર્લ્ડકપ 2007ની પ્રથમ ફાઈનલ મેચ 24 સપ્ટેમ્બર 2007ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. તે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા.


જવાબમાં પાકિસ્તાન 20 ઓવર પણ મેદાન પર ટકી શક્યું ના હતું. આખી ટીમ 19.3 ઓવરમાં 152 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતે પહેલો T20 વર્લ્ડકપ 5 રને જીત્યો હતો.


મેચ ટાઇ થવા પર બન્યો હતો એક નવો નિયમ  
આ ટૂર્નામેન્ટમાં ટાઇ ઉકેલવા માટે એક અનોખા નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નિયમનું નામ હતું બૉલ-આઉટ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ સ્ટેજની મેચમાં આ નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.