icc mens cricketer of the year 2024: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો છે. તે પ્રતિષ્ઠિત 'સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી' મેળવનાર ભારતનો પહેલો ફાસ્ટ બોલર બન્યો છે. તેણે રમતના સૌથી લાંબા અને ટૂંકા ફોર્મેટમાં તેના હરીફો પર પ્રભુત્વ જમાવ્યું હતું.
31 વર્ષીય જસપ્રીત બુમરાહે હેરી બ્રુક (ઇંગ્લેન્ડ), ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા) અને જો રૂટ (ઇંગ્લેન્ડ) જેવા સ્ટાર ખેલાડીઓને પાછળ છોડીને મેન્સ ક્રિકેટનું સર્વોચ્ચ સન્માન જીત્યું છે.
બુમરાહ જે ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 છે, તે સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ પૂરી કરનાર ભારતીય ફાસ્ટ બોલર છે. તેણે 20થી ઓછી બોલિંગ એવરેજ સાથે આ સિદ્ધિ મેળવી છે, જે ક્રિકેટ ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ છે.
ફાસ્ટ બોલરની પ્રતિભા ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પણ પ્રતિબિંબિત થઈ હતી, જ્યાં તેણે 900-પોઈન્ટનો આંકડો પાર કર્યો હતો અને વર્ષનો અંત રેકોર્ડ-બ્રેક 907 પોઈન્ટ સાથે કર્યો હતો - જે ઈતિહાસમાં કોઈપણ ભારતીય બોલર માટે સૌથી વધુ છે.
બુમરાહ પહેલા રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલી (2 વખત) ભારત માટે આ ટ્રોફી જીતી ચૂક્યા છે. પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય ફાસ્ટ બોલરે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો હોય.
સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપી લેનારો ભારતીય બોલર
બુમરાહ સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપી લેનારો ભારતીય બોલર છે. બુમરાહે 8484માં બોલ પર પોતાની 200મી ટેસ્ટ વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ 9896માં બોલ પર 200મી વિકેટ લીધી હતી. જાન્યુઆરી 2018માં ડેબ્યૂ કરનાર બુમરાહ 20થી ઓછી બોલિંગ એવરેજ સાથે 200 વિકેટ મેળવનારો પ્રથમ બોલર છે. બુમરાહ કરતાં વધુ સારી બોલિંગ એવરેજ સાથે કોઈ બોલરે વધુ વિકેટ લીધી નથી.